Gujarati Films: જેઓ ગુજરાતી ફિલ્મોના `અમિતાભ બચ્ચન` ગણાતા હતા... તેમના વિશે આ વાત જાણી આંખો ભીની થશે
Gujarati Films: ગુજરાતી ફિલ્મોમાં અનહદ લોકપ્રિયતા અને સફળતા મેળવનારા નરેશ કનોડિયા વિશે એવી કેટલીક અજાણી વાતો ખાસ જાણો....જે જાણીને તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે. એટલે જ કહે છે કે સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જેમને ઢોલીવુડના અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવતા હતા તે નરેશ કનોડિયાને ભાગ્યે જ કોઈ નહીં ઓળખતું હોય. નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેમની અને તેમના ભાઈ મહેશ કનોડિયાની સંગીત બેલડી પણ હતી. જો કે નરેશ કનોડિયાને આપણે 27 ઓક્ટોબર 2020ના રોજ ગુમાવ્યા. કોવિડના કારણે તેમનું અમદાવાદ ખાતે અવસાન થયું હતું. તેમના ભાઈ મહેશ કનોડિયા પણ બે દિવસ પહેલાં જ અવસાન પામ્યા હતા. આ બેલડી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની શાન હતી.
72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું
નરેશ કનોડિયાની કારકિર્દીની વાત કરીએ તો તેમની 40 વર્ષ જેટલી કારકિર્દી દરમિયાન તેમણે સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક સહિત 72 જેટલી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. તેમણે કરિયરની શરૂઆત વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી કરી હતી. તેમની જાણીતી ફિલ્મોમાં જોગ સંજોગ, ઢોલા મારુ, કંકુની કિંમત, મેરુ માલણ, વણજારી વાવ, જુગલ જોડી, મોતી વેરાણા ચોકમાં, મા બાપને ભૂલશો નહીં, હિરણને કાંઠે, પરદેશી મણિયારો, તમે રે ચંપોને અમે કેળ, વેણીને આવ્યા ફૂલ, જીગર અને અમી (સંજીવકુમાર સાથે), કડલાની જોડ, લોહી ભીની ચૂંદડી, જોડે રહેજો રાજ, પારસ પદમણી, કાળજાનો કટકો, વટ, વચન અને વેર, મહેંદી રંગ લાગ્યો, ઉજળી મેરામણ, સાજણ હૈયે સાંભરે વગરે ફિલ્મો છે.
125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા
સ્નેહલતા સાથે તેમની જોડીએ અનેક સફળ ફિલ્મો આપી છે. નરેશ કનોડિયા તેમના ભાઈ મહેશ કનોડિયા સાથે મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લા 40 વર્ષથી રજૂઆત કરતા હતા. જો કે તેમણે આ સફળતા માટે ખુબ સંઘર્ષ પણ કરેલો હતો. નરેશ કનોડિયાએ 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત ભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત પણ આપેલું છે. તેમના પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોમાં કલાકાર છે. નરેશ કનોડિયાને બે દીકરા છે, હિતુ અને સુરજ.
ગરીબીમાં વિત્યું હતું બાળપણ
બંને ભાઈઓની જોડી નામના મેળવી તે પહેલા તેમના બાળપણની વાત કરીએ તો ગરીબીમાં વીત્યું હતું. બીબીસીના રિપોર્ટ મુજબ મહેશ અને નરેશ કનોડિયાએ બાળપણમાં પૈસા ખાતર રસ્તે ઊભા રહીને ગીતો ગાયા હતા, મિલમજૂરોને ટિફિન પહોંચાડ્યા હતા, ગલીએ ગલીએ જઈને કાગળ-કચરો વીણ્યો, બૂટપોલીશ જેવા કામ પણ કર્યા હતા. તેમના પરિવારમાં આઠ લોકો હતા. પિતા મીઠીલાલ રૂપાભાઈ પરમાર, માતા દલીબેન, ત્રણ દીકરા શંકરભાઈ, મહેશ, દિનેશ અને ત્રણ દીકરી નાથીબહેન, પાનીબહેન અને કંકુબહેન. નરેશ કનોડિયાએ સાડીના કારખાનામાં પણ મજૂરીકામ કર્યું હતું. નરેશ કનોડિયાએ ક્યારેય ડાન્સ, અભિનય કે સ્ટન્ટની કોઈ તાલીમ લીધી નહતી પરંતુ આમ છતાં તેમના અભિનયે લાખો લોકોના હ્રદયમાં સ્થાન અપાવી દીધુ.
રાજકીય કારકિર્દી
નરેશ કનોડિયા વર્ષ 2002માં કરજણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા પણ કલાકાર હોવાની સાથે સાથે રાજનેતા છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઈડર બેઠકથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા.