Happy Birthday To Jaya Bachchan: બોલીવુડના શહેનશાહની મલ્લિકાનો અંદાજ પણ ગજબનો છે, ઘરમાં ચાલે છે એમનું જ રાજ
બોલીવુડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચનના પત્ની અને જાજરમાન અભિનેત્રી જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ 1948માં થયો. ચુલબુલી અભિનેત્રી જયા બચ્ચન પોતાની ફિલ્મ કારકિર્દીમાં ઘણા સફળ રહ્યા. તેમની લખેલી ફિલ્મે પણ પરદા પર મોટી સફળતા હાંસલ કરી. જયા બચ્ચને જે ક્ષેત્રમાં પદાર્પણ કર્યું ત્યાં તેમને સફળતા મળી. આજે તેમના જન્મદિવસે જાણીએ તેમના જીવનની કેટલીક દિલચશ્પ વાતો.
નવી દિલ્લી: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan) આજે 73 વર્ષના થઈ ગયા છે. જયા બચ્ચને જ્યાં પણ પગ મૂક્યો, ત્યાં સફળતા હાંસલ કરી. પછી ભલે તે એક્ટિંગની દુનિયામાં નામ મેળવવાનું હોય કે શહેનશાહની સ્ક્રિપ્ટ લખવાની હોય. કે પછી રાજકારણમાં એન્ટ્રી.
ફિલ્મી કારકિર્દીની શરૂઆત:
જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. જયાએ વર્ષ 1963માં સત્યજીત રેની બંગાળી ફિલ્મ મહાનગરમાં સપોર્ટિંગ અભિનેત્રીનો રોલ કર્યો હતો. અહીંથી જ અભિનેત્રીએ પોતાના સપનાને પૂરા કરવાનું શરૂ કર્યુ.
ખરાબ સમયમાં આપ્યો અમિતાભનો સાથ:
અભિનેત્રી (Jaya Bachchan)એ ફિલ્મ ગુડ્ડીથી વર્ષ 1971માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તેના પછી અભિનેત્રીએ મિલી, ચુપકે-ચુપકે, જંજીર જેવી અનેક સુપરહિટ ફિલ્મ આપી. જયા બચ્ચન બહુ ઓછા સમયમાં બોલીવુડની એક હિટ અભિનેત્રી બની ગઈ હતી. પરંતુ તે સમયે અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મોને હિટ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા હતા. 12 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી અમિતાભ બોલીવુડ છોડવા માગતા હતા. તે મુંબઈથી પાછા જઈ રહ્યા હતા. પરંતુ ત્યારે તેમને ફિલ્મ જંજીરમાં સાઈન કરવામાં આવ્યા અને તેમની અભિનેત્રી તરીકે જયા બચ્ચનને લેવામાં આવ્યા. આ તે સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન સાથે કોઈપણ હીરોઈન કામ કરતા માગતી ન હતી. કેમ કે તેમની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી હતી.
ઉતાવળમાં લગ્ન કરવા પડ્યા:
1973માં અમિતાભ બચ્ચન (Amitabh bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan) એકસાથે ફિલ્મ જંજીરમાં જોવા મળ્યા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. જયા અને અમિતાભ એકબીજાની નજીક આવવા લાગ્યા. ફિલ્મની સફળતાની ઉજવણી માટે બંને વિદેશ જવા માગતા હતા. અમિતાભ બચ્ચન (Amiabh bachchan) ના પિતા હરિવંશરાય બચ્ચને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તે જયા બચ્ચન (Jaya Bachchan)ની સાથે રજાઓ વીતાવવા માટે જવા ઈચ્છે છે તો પહેલા તેમણે લગ્ન કરવા પડશે. એક અત્યંત સાદા કાર્યક્રમમાં 3 જૂન 1973ના રોજ અમિતાભ બચ્ચન (Amitabh bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના લગ્ન થઈ ગયા.
જાતે લખી હતી શહેનશાહની સ્ક્રિપ્ટ:
જયા બચ્ચન(Jaya Bachchan) એક શાનદાર અભિનેત્રી તો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચન એક સારા સ્ક્રિપ્ટ રાઈટર પણ છે. વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ શહેનશાહની કહાની જયા બચ્ચને લખી હતી. અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જયાએ અમિતાભની બ્લોકબસ્ટર ફિલ્મ શહેનશાહની સ્ક્રિપ્ટ લખી હતી. જેમાં તેમની સાથે અભિનેત્રી તરીકે મિનાક્ષી શેષાદ્રી હતી.
પદ્મશ્રીથી સન્માનિત થઈ ચૂક્યા છે:
જયા બચ્ચન (Jaya Bachchan) ને તેમના શાનદાર અભિનય માટે 3 વખત બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર અવોર્ડ મળી ચૂક્યો છે અને તેમને 3 વખત બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો છે. વર્ષ 1992માં જયા બચ્ચન (Jaya Bachchan)ને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યસભાના સાંસદ છે જયા બચ્ચન:
ફિલ્મોમાંથી દૂર થયા પછી 2004માં જયા બચ્ચને સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધી. વર્તમાનમાં જયા સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ છે.