ખ્યાતનામ સંગીતકાર ખૈયામની હાલત ગંભીર, ICUમાં દાખલ
ગયા અઠવાડિયે ફેફસાંને ચેપને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
મુંબઈ : કભી કભી અને ઉમરાન જાવ જેવી ફિલ્મોમાં સુમધુર સંગીત આપનાર ખ્યાતનામ સંગીતકાર ખૈયામ (92)ને ગંભીર સ્થિતિમાં સુજય હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે તેમને ફેફસાંમાં ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મભુષણ મેળવનાર ખૈયામે પોતાની સંગીતની કરિયર 17 વર્ષની વયે પંજાબના લુધિયાણા શહેરથી શરૂ કરી હતી. કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મોમાં સંગીત આપીને તેઓ પોતાની કરિયરમાં ટોચ પર પહોંચ્યા હતા અને તેમણે બોલિવૂડમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી હતી.
નૂરી, રઝિયા સુલ્તાન અને બાઝાર જેવી ચર્ચિત ફિલ્મોમાં સંગીતની અમીટ છાપ છોડનારા ખૈયામને 2010માં લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેમને તેમની સુરીલી ધુનો માટે ફિલ્મફેર સહિત અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમણે મીના કુમારી સાથે જોડાયેલા આલબમમાં પણ સંગીત આપ્યું હતું.