કિંજલ દવે બેધડકપણે મચાવી શકે છે `ચાર બંગડી`ની ધૂમ, HCનો મોટો ચુકાદો
કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો
મુંબઈ : કિંજલ દવેનાં ગીત 'ચાર બંગડી' વાળા ગીત વિવાદ પછી કિંજલ દ્વારા આ કેસને કોમર્શિયલ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. હવે હાઇકોર્ટે આ મામલામાં કિંજલને રાહત આપતા કોમર્શિયલ કોર્ટના ચુકાદાને રદ કર્યો છે. હવે કિંજલ આ ગીતને કાર્યક્રમમાં ગાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કરતા કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.
કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. અરજી સંદર્ભે કોમર્શિયલ કોર્ટે આ ગીતને યૂ ટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવાનો અને જાહેર કાર્યક્રમમાં આ ગીત પર પરફોર્મ નહીં કરવાનો આદેશ અગાઉ જ કરી દીધો હતો.
2016માં આ ગીત આવ્યા બાદથી જ કિંજલ દવેને સ્ટારડમ મળ્યું હતું. અરજી કરનારા કાર્તિક પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ લડાઈ આર્થિક વળતરની નહીં પણ ઓળખ માટેની છે. કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કરનારા કાર્તિક પટેલ મૂળ જામનગર જિલ્લાનો વતની છે. તેણે જામનગરની એમપી શાહ કોમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા તેણે ગુજરાતની એક આઈટી કંપનીમાં કામ કર્યુ હતું. વર્ષ 2000માં વધુ અભ્યાસ અર્થે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા ગયો હતો. શરૂઆતમાં તેણે પોતાનો ખર્ચ કાઢવા ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવી હતી. આ જ સમયગાળા દરમિયાન સંગીત પ્રત્યે તેને આકર્ષણ જાગ્યું હતું. કાર્તિક પટેલે ચાર બંગડીવાળી ગીત લખી ગાયું, પછી 2016માં તેને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ હતું.
આ કન્યા હવે બની ગઈ છે બોલિવૂડના જાણીતા ફિલ્મી પરિવારની વહુ, PICS થયા વાઇરલ
આ ગીતનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થયું હતું. પણ આ ગીત અપલોડ થયાના થોડા સમયમાં કિંજલ દવેએ આ જ ગીત અલગ અંદાજમાં ગાઈને યૂ ટ્યૂબ પર અપલોડ કર્યુ. યૂ ટ્યૂબની ડિજીટલ ટીમનું સૂચન હતું કે, જે દેશમાં કોપીરાઈટનો ભંગ થયો હોય ત્યાંની કોર્ટમાંથી આદેશ મેળવવો પડશે. આ પછી કાર્તિક પટેલે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં કિંજલ દવે સામે કોપીરાઈટ ભંગનો કેસ કર્યો. કિંજલ દવેનો દાવો છે કે આ ગીત મનુ રબારીએ લખ્યું છે. ખાસ વાત એ છે કે ચાર બંગડીવાળી ગાડી ગીતની મારવાડી અને અન્ય ભાષાઓમાં પણ નકલ કરવામાં આવી છે. કાર્તિક પટેલ આગામી દિવસોમાં અન્યોને પણ કાયદાકીય રીતે પડકારવા માંગે છે.