નવી દિલ્હીઃ આઈપીએલમાં સટ્ટાકાંડને લઈને સતત નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ફિલ્મી દુનિયાના લોકો સટ્ટાબાજીની દુનિયામાં કેટલા ફસાયા છે, દરરોજ નામ ઉજાગર થઈ રહ્યાં છે. પહેલા આ ખેલમાં સલમાનના ખાઈ અરબાઝનું નામ આવ્યું હતું અને અરબાઝ ખાને સટ્ટાબાજીમાં સામેલ હોવાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો. અરબાઝ ખાન બાદ હવે સાજિદ ખાનનું નામ પણ સટ્ટાબાજીમાં સામે આવી રહ્યું છે. સોનૂ જાલાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, આશરે 7 વર્ષ પહેલા સાજિદ ખાન પણ આઈપીએલમાં સટ્ટો લગાવતા હતા. પોલીસ સૂત્રો પ્રમાણે, પોલીસે અત્યાર સુદી સાજિદને પૂછપરછ માટે નોટિસ પાઠવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500 કરોડથી વધુના આઈપીએલ સટ્ટાકાંડના આ ખેલમાં માસ્ટર માઇન્ડ સોનૂ જાલાન પોલીસના હાથમાં આવ્યા બાદ નવા-નવા નામ સામે આવી રહ્યાં છે. થાણે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, સોનૂએ પૂછપરછમાં સાજિદ ખાનનું નામ પણ લીધું છે. સોનૂએ પોલીસને જણાવ્યું કે, સાત વર્ષ પહેલા સાજિદ તેની સાથે સટ્ટો લગાવતો હતો, પરંતુ કોઇ પ્રકારનો અણબનાવ થતા તે અલગ થઈ ગયો અને પછી અન્ય બુકી સાથે સટ્ટો લગાવવા લાગ્યો. 


સાજિદ સિવાય ઘણી અન્ય ફિલ્મી હસ્તિઓ આમાં સામેલ હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ તેને જલદી સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવી શકે છે. 




સાજિદ ખાન ફિલ્મ અભિનેતા અને ડાયરેક્ટર છે અને ફરાહ ખાનના ભાઈ છે. તેમણે હાઉસફુલ અને હાઉસફુલ-2, હે બેબી, હિમ્મતવાલા જેવી સફળ ફિલ્મો બનાવી છે. આ સિવાય મૈં હું ના, મુજસે શાદી કરોગી, હેપ્પી ન્યૂ યર ફિલ્મોમાં અભિનય કર્યો છે. 


પોલીસે જણાવ્યું કે, આઈપીએલમાં સટ્ટાબાજીનો ખેલ છેલ્લા 7-8 વર્ષથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી 500 કરોડથી વધુનો સટ્ટા આઈપીએલ પર લાગી ચૂક્યો છે. પોલીસે સોનૂ જાલાનની 29 મેએ ધરપકડ કરી હતી. પોલીસે સોનૂના ઘરેથી એક ડાયરી કબજે કરી હતી જેમાં 100થી વધુ સટ્ટાહાજોના નામ અને ફોન નંબર છે. તેમાં ઘણા નામ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકોના છે. પોલીસે 16 મેએ આઈપીએલમાં સટ્ટો લગાવવાના આરોપમાં 4 લોકોની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ બાદ સોનૂ જાલાનનું નામ માસ્ટર માઇન્ડ તરીકે સામે આવ્યું હતું.