Taarak Mehta Ka Ooltah Chashmah શો પાછળ આ દિગ્ગજ કલાકારનું હતું ભેજું, પણ નાની ઉંમરમાં થઈ ગયું મોત
સારાભાઈ Vs સારાભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ધ કપિલ શર્મા શો અગાઉ જતિન કનકિયા, રાકેશ બેદી, રીમા લાગૂ, અને અર્ચના પૂરનસિંહની શ્રીમાન શ્રીમતી દર્શકોમાં ખુબ લોકપ્રિય હતી. આજે ભલે સ્ટેન્ડઅપ કોમેડિયનની બોલબાલા છે પરંતુ 90ના દાયકામાં આ કલાકારો અને શોએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.
કેશુ, દિલરૂબાજી, કોકી, અને પ્રેમાજીને ભૂલવા એટલા સરળ નથી. આ ફક્ત કલાકારો નથી પરંતુ ઘર ઘરના સભ્ય છે. ઘરના બધા સભ્યો એક સાથે બેસીને આ શો જોતા હતા. લોકડાઉન દરમિયાન દુરદર્શને જ્યારે શ્રીમાન શ્રીમતી શો ફરીથી શરૂ કર્યો તો દર્શકો ભાવવિભોર બની ગયા હતા. કોવિડના કારણે જીવનમાં સર્જાયેલી ઉથલપાથલને લોકો થોડીવાર માટે આ શો જોઈને ભૂલી જતા હતા.
'Prince of Comedy' કહેવાય છે આ કલાકાર
દુરદર્શનનો શ્રીમાન શ્રીમતી શો જતિન કનકિયાનો મોટો બ્રેક હતો. આ શોમાં કનકિયાએ એક મધ્યમ વર્ગીય પતિની ભૂમિકા ભજવી હતી જેને પોતાની પાડોશણ ખુબ ગમતી હતી. આ શો બાદ કનકિયા કભી યે કભી વો, જરા હટકે, પડોશન, પીછા કરો, અઘોરી, તેજસ, બાત એક રાઝ કી, જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યા. તેમણે ચશ્મે બદ્દુર, યસ બોસમાં પણ પોતાની હરકતોથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા. હમ પાંચમાં સુનીલ અંકલની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા. કનકિયાએ ખુબસુરત અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમને પ્રિન્સ ઓફ કોમેડી તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
તારક મહેતા...શો તેમની દેણ છે
પ્રોડ્યુસર અસીતકુમાર મોદીએ જતિન સાથે હમ સબ એક હૈ સીરિયલમાં કામ કર્યું હતું. જતિને તેમને તારક મહેતાના 'દુનિયાને ઊંધા ચશ્મા' પર આધારિત કોમેડી શો બનાવવાનો આઈડિયા આપ્યો હતો. અસિતને આ આઈડિયા ગમી ગયો અને ત્યારબાદ આ ઐતિહાસિક શો ટીવીના પડદે પહોંચ્યો.
અસિતકુમાર મોદીએ 2018 માં TEDxTalks સાથે વાતચીતમાં તારક મહેતા શોની શરૂઆત અને તેની સફળતાની કહાની જણાવતા જતિન કનકિયાના કિસ્સાને પણ સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ સાસુ વહુ અને ગંભીર ટીવી શો ઉપરાંત કઈક કોમેડી શો બનાવવા અંગે વિચારી રહ્યા હતા જેથી કરીને લોકો રોજ કોમેડી જુએ અને ખુબ હસે. તે સમયે તેઓ જતિન સાથે કામ કરતા હતા અને ત્યારે તેમણે તેમને તારક મહેતા શોનો આઈડિયા આપ્યો હતો.
અસિત મોદીએ કહ્યું હતું કે 'હું આમ તો સિરિયસ છું પણ હસી મજાક વગર રહી શકતો નથી. મને મારી સામે હસાવનાર જોઈએ એને એવો માહોલ પણ કે હું પોતે હસી શકું. ત્યારે મે વિચાર્યું કે એવો શો બનાવું જેમાં કોમેડી હોય અને તે પણ રોજ. પછી વિચાર્યું કે તેના માટે શું કરવું. એક શો હતો મારો 'હમ સબ એક હૈ' તેમાં એક આર્ટિસ્ટ સાથે કામ કરતો હતો જતિન કનકિયા. તેમણે કહ્યું કે તારકભાઈની દુનિયાને ઊંઘા ચશ્મા નામની કોલમ છે. તેના પર શો બની શકે છે.'
તેમણે એમ પણ હતું કે તેઓ જેઠાલાલની ભૂમિકા ભજવવા માંગતા હતા. 2002માં મને શોના રાઈટ્સ મળ્યા. હું ડિઝની ચેનલ સાથે આ શો બનાવવા માંગતો હતો. પરંતુ એવું બન્યું નહીં. ત્યારબાદ સબ ટીવી લોન્ચ થયું અને મે આ ચેનલ માટે આ શો બનાવ્યો. અસિત મોદી માટે આ શો બનાવવો સરળ નહતો. સબ ટીવી અગાઉ અનેક રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. જેઠાલાલના પાત્ર માટે પણ અનેક અભિનેતાઓએ ના પાડી અને આખરે દિલિપ જોશી આ પાત્ર ભજવી રહ્યા છે. તેમને આ પાત્ર થકી ભરપૂર લોકપ્રિયતા મળી. અત્રે જણાવવાનું કે જતિન કનકિયાનું માત્ર 46 વર્ષની ઉંમરે પેનક્રિયાટિક કેન્સરથી 20 જુલાઈ 1999ના દિવસે મોત થઈ ગયું.