Movie Review: માધુરી દીક્ષિત-સંજય દત્તનો નિષ્ફળ પ્રેમ છે `કલંક`, દેખાશે વિભાજનની પીડા
20 વર્ષ બાદ માધુરી દીક્ષિત અને સંજય દત્તની વાપસી રીલ કપલ તરીકે થઈ અને તેના ફેન્સ માટે તેનાથી વધુ ખુશીની વાત બીજી ન હોઈ શકે.
મુફ્ફદલ કપાસી/અમદાવાદઃ બોલિવૂડમાં સિતારાઓની એક પેઢીનો સૂરજ અસ્તાચળે હોય ત્યાંજ નવી પેઢીના સિતારાઓની સિલ્વર લાઇનિંગ સિલ્વર સ્ક્રીન પર દ્રશ્યમાન થઇ જાય છે ! એજીંગ ખાન્સ પછી કોણ એ સવાલ ચર્ચાતો હતો અને એ જ સમયગાળામાં એક સિતારાએ જન્મ લીધો. એની સફળતા એટલી બધી ધારવામાં નહોતી આવી પણ ટીલ ધ ડેટ આ સિતારાનો ટ્રેક રકોર્ડ 100% પર છે. જી હા વરૂણ ધવને ડેબ્યૂ કરવાથી લઇને અત્યાર સુધી માત્ર સફળતાનો જ સ્વાદ ચાખ્યો છે! પણ એના આ ચળકતા સક્સેસ પાથ પર 'કલંક' બની શકે છે એની સાવ લેટેસ્ટ મૂવી! એમાં કોઇ શંકા નથી કે આલિયા ભટ્ટ અને વરુણ ધવન વર્તમાન પેઢીના સૌથી હોનહાર અદાકાર છે.
અને જે પણ પાત્ર એમને મળે છે એ નિભાવી જાણે છે. પણ મૂવી સિલેક્ટ કરવામાં થાપ ખાઇ જવું એ બહુ સામાન્ય બાબત છે. નિર્માતા કરણ જોહરના પિતા યશ જોહર તેમની હયાતીમાં આ વાર્તા પર મૂવી બનાવવા ઇચ્છતા હતાં પણ બનાવી શક્યાં નહોતા. ઇવન તેઓ આ વાર્તા વિશે વધુ રિસર્ચ માટે લાહોર પણ ગયા હતાં. પણ તેમના જીવતા જીવ એ મૂવી ન બની શકી. તેવામાં ઉપરાછાપરી સફળતા મેળવીને દોમ દોમ રૂપિયા કમાઇ રહેલાં કરણ જોહરને શું ચાનક ચઢી કે તેમણે આ મૂવી બનાવી નાખી. અને પરિણામ છે એક મલ્ટી સ્ટારર બિગ બજેટ બોરિંગ મૂવી!
કલંકની વાર્તા દેશની આઝાદી પૂર્વેની છે. લાહોર નજીક હુસ્નાબાદ શહેરમાં આ વાર્તા આકાર લે છે જ્યાં એક ધનાઢ્ય ચૌધરી પરિવારની વહુ સત્યા (સુપર્બ સોનાક્ષી) જીવલેણ બીમારીનો સામનો કરી રહી છે. અને એટલા માટે જ પોતાના પતિ દેવ ચૌધરી (આદિત્ય રોય કપૂર) માટે તે નવી પત્ની શોધી લાવે છે રૂપ (આલિયા ભટ્ટ). અસામાન્ય સંજોગોમાં આ પ્રકારના લગ્ન માટે તૈયાર થતી રૂપને શાસ્ત્રીય સંગીતથી લગાવ છે. અને ગાયકી શીખવા માટે તે મળે છે હુસ્નાબાદમાં રહેતી નર્તકી-ગાયિકા બહાર બેગમને (માધુરી દિક્ષીત) જ્યાં તેની મુલાકાત થાય છે મુસ્લિમ લુહાર ઝફર (વરુણ ધવન) સાથે. વાર્તાની શરૂઆત રસપ્રદ લાગે છે પણ તેમાં ઉમેરાતી દરેક મિનિટ વાર્તાને ઢીલી બનાવતી જાય છે. પોણા ત્રણ કલાકની આ મૂવીમાં જો તમને એકપણ બગાસું ન આવે તો તેના બે અર્થ નીકળે છે એક તો તમે અત્યંત જાણકાર વ્યક્તિ છો જે સિનેમાની બારીકી જોવામાં ખૂપેલો છે અને તેને સારા-નરસા દરેક પાસા રસપ્રદ રીતે જોવાની ટેવ છે. અથવા તો બગાસુ ખાધા વિના જ તમે સૂઇ ગયા છો ! બાકી એક આમ સિનેચાહકને આ વાર્તા અને તેની ટ્રીટમેન્ટ બિલકૂલ ગળે ઉતરે તેવી નથી. તમને લાગતું હશે કે તો પછી શેના 10માંથી 5 પોઇન્ટ આપ્યાં છે ? તો આ મૂવીને 3 પોઇન્ટથી વધુ મળે તેમ નથી પણ બાકીના 2 શેના છે એ જણાવી દઉં.
મૂવીનું સૌથી મજબૂત પાસું છે તેની સ્ટારકાસ્ટનો અભિનય. ટૂંકા પાત્રમાં પણ સોનાક્ષી સિંહા અને માધુરી દમદાર અભિનય કરી ગયા છે. પણ સૌથી અસરકારક છે આલિયા ભટ્ટ અને વરૂણ ધવન. અગેઇન આલિયા ભટ્ટ અહીં ફ્લોલેસ છે.
વરુણ ધવન પણ એ જ ચાર્મ સાથે જામે છે. આદિત્ય રોય કપૂર ભલે ક્યારેય સ્ટારડમ ન મેળવી શક્યા પણ તેમની અભિનય ક્ષમતા પર કોઇ સવાલ કરી શકાય તેમ નથી.
સોનાક્ષીનું વન ઓફ ધ બેસ્ટ પર્ફોર્મન્સ છે. આ સિવાય વાર્તાને અનુરૂપ સંવાદો મજબૂત છે.
હીંચકીમાં રાની મુખર્જીનો લાડલો ભાઇ બનેલો હુસૈન દલાલ યાદ છે ? હા, એણે જ કલંકના વજનદાર લાગતા સંવાદો લખ્યાં છે !
પ્રોડક્શન વેલ્યુ પણ પ્રોડક્શન હાઉસ જેટલી જ હાઇપ્રોફાઇલ છે. મતલબ કે તમને એકથી એક સેટ્સ પર ફિલ્માવાયેલા દ્રશ્યો
મોટા પરદા પર મનમોહક લાગે. બેકગ્રાઉન્ડ સ્કોર જબરદસ્ત છે. સિનેમેટોગ્રાફીમાં બિનોદ પ્રધાને પણ રંગ રાખ્યો છે.
જો એક મૂવીના આટલાં સબળ પાસા હોય તો પછી થાપ ક્યાં ખાઇ જવાઇ છે? સૌથી પહેલાં તો વાર્તા જ સાંપ્રત સમયમાં કોઇ રીતે વજૂદ ન ધરાવતી હોય એ રીતે તેનો સ્ક્રીનપ્લે લખાયો છે. લાંબો લચ્ચક સ્ક્રીન પ્લે હોવા ઉપરાંત સાવ રેઢિયાળ કક્ષાનું એડિટીંગ મૂવીને ડબ્બો બનાવી દેવામાં કોઇ કસર છોડતા નથી. મતલબ કે તમે શોધીને કમ સે કમ 10 દ્રશ્યો અલગ કરી શકો જેની કોઇ જરૂરિયાત લાગતી જ નથી ! પહેલી 10 મિનિટમાં જ ટપકી પડતાં 2 ગીતથી અંદાજો આવી જાય છે કે આગળ શું શું વિતવાનું છે! માત્ર ટાઇટલ ટ્રેક અને તબાહ કર ગયે ગીત જ થોડાઘણાં અંશે યાદ રહી જાય તેવા છે. વાર્તાના પાત્રોના વર્તનમાં પણ વારંવાર બદલાવ આવતો રહે છે એટલે કે કોઇ તેના મૂળભુત સ્વભાવને અંત સુધી વળગી રહેતું નથી! ડિરેક્ટર અભિષેક વર્મન ઘણી જગ્યાએ દેખીતી થાપ ખાઇ ગયા છે. દ્રશ્યોમાં દેખીતાં ગાબડાં છે. તેનો અનુભવ કરવો હોય તો ક્લાઇમેક્સનું ટ્રેઇનવાળું દ્રશ્ય ધ્યાનથી જોશો તો સમજાઇ જશે કે ડિરેક્શન ઘણી જગ્યાએ સાવ તળિયે છે. (જો ક્લાઇમેક્સ સુધી તમે સહન કરી શકો તો!) જો કે એક દ્રશ્ય છે જે ખરેખર આખી વાર્તાના સ્વભાવ કરતાં અલગ છે. અને પસંદ પડે એવું છે. જેમાં ઇદના તહેવાર પર એક તળાવના કાંઠે આદિત્ય રોય કપૂર અને વરુણ ધવન મળે છે અને પછી એ બંને વચ્ચે જે સંવાદોની આપ-લે થાય છે.
ઓવરઓલ સિતારાઓનો જમાવડો અને લક્ઝુરિયસ લાગતા સેટ્સ પણ જો વાર્તા જ બેદમ હોય તો કામે લાગતા નથી. દાગ અચ્છે હૈ એવું કમસે કમ અહીં કહી શકાય એમ નથી! ટૂંકમાં વરુણ ધવને પોતાની કારકિર્દીમાં નિષ્ફળતાનો પહેલો
'ડાઘ' સહન કરવાનો વારો આવે તો નવાઇ નહીં!