સંજુ બાબાના જીવન વિશે મોટો ધડાકો, હવે કરી શકે છે `આ` નિર્ણય
સંજય મુંબઈ બોંબ ધડાકા વખતે એકે 47 રાખવાના મામલામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે
મુંબઈ : બોલિવૂડમાં સંજુ બાબાના નામથી જાણીતો એક્ટર સંજય દત્ત બહુ જલ્દી રાજકારણમાં એન્ટ્રી લઈ શકે છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરે દાવો કર્યો છે કે સંજય બહુ જલ્દી રાજકારણની દુનિયામાં ઝંપલાવી શકે છે. મહાદેવ જાનકર રાષ્ટ્રીય સમાજ પાર્ટી (RSP)ના અધ્યક્ષ છે.
મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી મહાદેવ જાનકર એલાન કર્યું છે કે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત તેમના પક્ષમાં 25 સપ્ટેમ્બરે એન્ટ્રી લેવાનો છે. આરએસપીની વર્ષગાંઠ પર સંજયે પોતાનો એક વીડિયો જાહેર કરીને પક્ષને શુભેચ્છા સંદેશ પણ આપ્યો હતો. વીડિયોમાં સંજયે રાષ્ટ્રીય સમાજ પાર્ટી માટે શુભકામના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરની પાર્ટી આરએસપી એડીએનું ઘટક દળ છે.
નોંધનીય છે કે 1992 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ વખતે એકે -47 રાખવાના મામલામાં સંજય દત્ત જેલની સજા ભોગવી ચૂક્યો છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં તેણે પોતાની બહેન અને કોંગ્રેસની ઉમેદવાર પ્રિયા દત્ત માટે મુંબઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સંજય સમાજવાદી પાર્ટીનો મહાસચિવ પણ રહી ચૂક્યો છે. સંજયના પિતા સુનીલ દત્ત કોંગ્રેસના મોટા નેતા હતા.