#MeToo ઈફેક્ટ - અનુ મલિકની ઈન્ડિયન આઈડલના જજમાંથી હકાલપટ્ટી
યૌન ઉત્પીડનના આરોપોમાં ઘેરાયેલ સંગીતકાર અનુ મલિકને ઈન્ડિયન આઈડલ 10માંથી હટાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. સિંગર સોના મહાપાત્રા અને શ્વેતા પંડિતના અનુ મલિક પર યૌન ઉત્પીડનના આરોપો પહેલેથી જ લગાવ્યા હતા, ત્યાર બાદ બે ઉભરતી સિંગર્સે પણ તેની વિરુદ્ધ આવા જ આરોપ લગાવ્યા છે. જેના બાદ શક્યતા હતા કે, તેને શોથી દૂર કરવામાં આવે. જોકે, રવિવારે આ વાત સામે આવી હતી.
ઈન્ડિયન આઈડલ ટીમમાંથી મળેલી માહિતી અનુસાર, આ સંગીતકાર સોમવારથી સિંગિંગના રિયાલિટી શોના એપિસોડનું શુટિંગ નહિ કરે. એક સૂત્રએ જણાવ્યું કે, યૌન ઉત્પીડનના આરોપોને પગલે અનુ મલિક ઈન્ડિયન આઈડલના જજ તરીકે હટી જશે. તે હવે આગળથી કોઈ પણ એપિસોડનું શુટિંગ નહિ કરે. તે સોમવારથી જ શુટિંગ નહિ કરે.
અનુ મલિકના વકીલે ગુરુવારે તેની વિરુદ્ધના આરોપોને નકારતા કહ્યું કે, તેમના ક્લાયન્ટને બદનામ કરવા માટે #MeToo અભિયાનનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના બાદ પ્રસિદ્ધ ગીતકાર સમીર અંજાન મલિકના બચાવમાં સામે આવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, પંડિત જે ઘટના વિશે કહી રહ્યા છે, તે સમયે હું પણ ત્યાં હાજર હતો, પરંતુ આવી કોઈ જ ઘટના બની ન હતી.
ઉલ્લેખનીય છે કે, બાદમાં #MeToo અભિયાનમાં સામે આવેલી બે મહિલાઓએ પોતાની ઓળખ નથી બતાવી. સિંગિંગમાં પોતાનું કરિયર બનાવવાની આશા રાખતી એક વિક્ટીમ મહિલાએ કહ્યું કે, 1990માં મેહબૂબ સ્ટુડિયોમાં કમ્પોઝર અનુ મલિકને મળી હતી. આ દરમિયાન મલિકે આ મહિલાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને બાદમાં તેની માફી માંગી હતી. પરંતુ તેના બાદ અનુ મલિકે તેને ઘર બોલાવીને ગંદી હરકતો કરી હતી.
ઈન્ડિયન આઈડલ શો સૌથી જૂના રિયાલિટી શોમાંથી એક છે. અનુ મલિક પહેલી સીઝન એટલે કે 2004ના વર્ષથી આ શોના જજ છે. આ કાર્યક્રમમાં આ વખતે વિશાલ દદલાની અને નેહા કક્કડે જજની ભૂમિકા ભજવી હતી.