મુંબઈઃ તનુશ્રી દત્તાના વકીલે મુંબઈના ઓશિવારા પોલિસ સ્ટેશનમાં નવી ફરિયાદ દાખલ કરીને નાના પાટેકર, ગણેશ આચાર્ય, સમી સિદ્દીકી અને રાકેશ સારંગનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવાની માગણી કરી છે. તનુશ્રીએ પોતાની નવી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે જેના પર આરોપ લગાવ્યો છે તે ઊંચી પહોંચ ધરાવે છે અને નેતાઓ સાથે પણ તેમના સંબંધ છે. આથી, તેઓ કેસની તપાસને પ્રભાવિત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, 10 ઓક્ટોબરના રોજ તનુશ્રી દત્તાએ આપેલા નિવેદન મુજબ ઓશિવારા પોલિસે આ ચારેય સામે IPCની વિવધ કલમો હેઠળ છેડતી અને જાતીય શોષણનો કેસ દાખલ કર્યો હતો. ગયા અઠવાડિયે, તનુશ્રીએ આ ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની કાર્યવાહી કરાઈ છે. 


આ સાથે જ તનુશ્રીએ એવો દાવો પણ કર્યો છે કે તેણે એ સમયે CINTAA માં પણ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ તેની ફરિયાદ પર કોઈ ધ્યાન અપાયું ન હતું. આ અંગે CINTAAના જોઈન્ટ સેક્રેટરી અમિત બહેલે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, તનુશ્રીની ફરિયાદ પર એ સમયે કોઈ કારણસર યોગ્ય રીતે ધ્યાન અપાયું ન હતું. અમે માત્ર નાણાકીય ફરિયાદ પર ધ્યાન આપ્યું હતું, જાતીય શોષણ અંગે અમારું ધ્યાન ગયું ન હતું. તનુશ્રીના વકીલે અમને ફરીથી 2008ની ફરિયાદ પર તપાસ કરવા માટે જણાવ્યું છે.



તનુશ્રી દત્તાનો આરોપ છે કે, વર્ષ 2008માં 'હોર્ન ઓકે પ્લીઝ' ફિલ્મના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે ખોટી રીતે તેનો સ્પર્શ કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે, મેં ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હું ફિલ્મ અને ગીતમાં એવો કોઈ પણ સીન નહીં કરું, જેમાં હું મારી જાતને અસહજ અનુભવતી હોઉં. 



(જાણી જોઈને અશ્લીલ દૃશ્યો ઉમેરવામાં આવ્યા હતા.)


તનુશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા દ્વારા ઈનકાર કરાયા બાદ પણ ફિલ્મમાં અશ્લીલ દૃશ્યો ઉમેરવામાં આવ્યા હતા અને મને એ દૃશ્યો શૂટ કરવા માટે મજબુર કરાઈ હતી. તેણે જણાવ્યું કે, આ દૃશ્યમાં મારી અને નાના પાટેકરની અંતરંગ ક્ષણો બતાવવાની વાત ચાલી રહી હતી. અંતે એ ફિલ્મ મેં અધવચ્ચે જ છોડી દીધી હતી. ત્યાર બાદ કેટલાક ગુંડાઓએ મારી કાર પર હુમલો પણ કર્યો હતો. 



ઉલ્લેખનીય છે કે, તનુશ્રી દત્તા દ્વારા મી ટૂ કેમ્પેઈન શરૂ કર્યા બાદ દેશભરમાં અનેક જાણીતી સેલિબ્રીટી સામે મહિલાઓએ જાતીય શોષણનાં આરોપ લગાવ્યા છે. હવે, મી ટૂ કેમ્પેઈનના સમર્થનમાં કેટલાક ટોચના અભિનેતાઓ પણ આવ્યા છે અને તેમણે ફિલ્મને અધવચ્ચે જ છોડી દીધી છે અથવા તો થોડા સમય માટે શૂટિંગ અટકાવી દીધું છે. 


સાથે જ અનેક જાણીતા પ્રોડક્શન હાઉસ એવા ખુલાસા પણ કરી રહ્યા છે કે, અમારે ત્યાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર થતો નથી અને કોઈની સાથે થયું હોય તો તેણે અમારો સંપર્ક કરવો. અમે, મહિલાઓનું સન્માન કરીએ છીએ અને તેમની સાથેની આવી કોઈ પણ ઘટનાનું સમર્થન કરતા નથી.