#Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
દીપિકા પાદુકોણના પૂર્વ મેનેજર રહી ચૂકેલા ક્વાન એન્ટરટેઈનમેન્ટના સહસ્થાપક અનિર્બાન દાસ બ્લાહ પર ચાર મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે
અંકુર ત્યાગી/નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનમા ભૂતપૂર્વ મેનેજર રહી ચૂકેલા ક્વાન એન્ટરટેઈનમેન્ટ (Kwan Entertainment)ના સહસ્થાપક અનિર્બાન દાસ બ્લાહ પર ચાર મહિલાઓએ #Me Too અભિયાન અંતર્ગત જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોમાં ઘેરાઈ ગયા બાદ શુક્રવારે અનિર્બાને મુંબઈના એક પુલ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.
ક્વાન એન્ટરટેઈનમેન્ટ ભારતની જાણીતી સેલિબ્રીટી મેનેજમેન્ટ એજન્સી છે. જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ અનિર્બાનને કંપનીમાંથી હાંકી કઢાયો હતો. અનિર્બાનને વાશી ટ્રાફિક પોલીસે વાશીના જૂના પુલ પરથી પકડ્યો હતો, જ્યાં તે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના મોડી રાત્રે 12.30 કલાકની છે. અનિર્બાન મુંબઈના વાશીમાં આવેલા જૂના પુલ પરથી કૂદવા જ જઈ રહ્યો હતો કે ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસે અનિર્બાનને પકડી લીધો હતો. જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પોલીસે તેને બચાવ્યા બાદ તેનાં પરિજનો અને મિત્રોનો બોલાવ્યા હતા અને તેમને સોંપી દીધો હતો.
પરિજનો માટે લખી હતી સ્યુસાઈડ નોટ
અનિર્બાને આત્મહત્યા કરતાં પહેલા પરિજનો માટે એક સ્યુસાઈડ નોટ પણ લખીને રાખી હતી. આ સ્યુસાઈડ નોટ તે પોતાના ઘરે મુકીને આવ્યો હતો. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે, "તમે એ જાણતા હશો કે જે કહાનીઓ તમે સાંબળો છો તે સત્ય કરતાં પણ વધુ ગંદી હોઈ શકે છે. ખરેખર જે સાચું છે તેણે મારી આંખોમાં એક રાક્ષસ બનાવી દીધો છે."
તેણે વધુમાં લખ્યું કે, "તમને મારી બોડી વાશી ક્રીકની આજુબાજુમાં ક્યાંક મળી જશે. ઓળખ માટે મારું લાયસન્સ છે અને મારો ટેટુ પણ બનેલો છે. મેં બ્લ્યુ રંગની જીન્સ અને ટીશર્ટ પહેર્યો છે. મારા અંદરનો રાક્ષસ મારા અંદરના બીજા માનવીથી ઘણા સમય પહેલાં જીતી ગયો છે. હવે, એ સમયે પાકી ગયો છે કે તેને ફરી એક વખત હંમેશાં માટે મારી નાખવામાં આવે."
રણબીરથી માંડીને દીપિકાને મેનેજ કરે છે કંપની
અનિર્બાન બ્લાહે 8 સભ્યો સાથે મળીને ક્વાન એન્ટરટેઈનમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની દીપિકા પાદુકોણ, રણબીર કપુર, ટાઈગર શ્રોફ, ઋતિક રોશન, સોમન કપૂર, શ્રદ્ધા કપુ જેવા સુપરસ્ટારને મેનેજ કરવાનું કામ કરે છે.
અનિર્બાન પર ચાર મહિલાઓએ જાતીય શોષણનાં આરોપ લગાવ્યા હતા. આ અરોપો અનુસાર અનિર્બાને બે મહિલાઓ સાથે અકુદરતી જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. એક મહિલાઓ એવો આરોપ લગાવ્યો હતો કે, અનિર્બાને મને તેના રૂમનો નંબર આપીને જણાવ્યું હતું કે કાસ્ટિંગ બેડરૂમમાં થાય છે, આ રીતે જાહેર સ્થળ પર થતી નથી.