ખેડૂત આંદોલન: મધ્ય પ્રદેશમાં `ગામ બંધ`ની વ્યાપક અસર, 10 જૂનના રોજ ભારત બંધનું આહ્વાન
: મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલન અંતર્ગત `ગામડા બંધ`ના પહેલા દિવસે શુક્રવારે નાના શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળી. કોઈ ગામથી ફળ, શાકભાજી અને દૂધ શહેર સુધી પહોંચ્યા નહીં.
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલન અંતર્ગત 'ગામડા બંધ'ના પહેલા દિવસે શુક્રવારે નાના શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળી. કોઈ ગામથી ફળ, શાકભાજી અને દૂધ શહેર સુધી પહોંચ્યા નહીં. જેનાથી લોકોને ખુબ પરેશાની થઈ. શહેરોમાં જે શાકભાજી હતાં તેના ભાવ વધી ગયાં. રાષ્ટ્રીય ખેડૂત મજૂર મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવકુમાર શર્માએ 10 જૂનના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. ગત વર્ષ 6 જૂનના રોજ મંદસૌર જિલ્લામાં ખેડૂતો પર પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ અને પીટાઈમાં સાત ખેડૂતોના મોતની પહેલી વરસી પર ખેડૂતોએ 10 દિવસના આંદોલનની શરૂઆત કરી છે.
દેશના અન્ય રાજ્યોની જેમ મધ્ય પ્રદેશમાં પણ શુક્રવારના રોજ પહેલા દિવસે ગામ બંધની વ્યાપક અસર જોવા મળી. રાજધાની ભોપાલથી લઈને મંદસૌર અને પ્રદેશના અન્ય ભાગોમાં ખેડૂતોના આંદોલનના કારણે લોકોએ ફળ, શાકભાજી અને દૂધ માટે હેરાન થવું પડ્યું. દૂધની આપૂર્તિને અસર થઈ છે તો શાકભાજી પણ બજારો સુધી પહોંચ્યા નથી. આ જ કારણે શાકભાજીના ભાવ વધી ગયા છે. આમ ખેડૂત યુનિયનના પ્રમુખ કેદાર સિરોહીએ આઈએએનએસને જણાવ્યું કે ખેડૂતો એકજૂથ છે, તેઓએ પોતાનો વિરોધ જારી રાખ્યો છે. ગામ બંધ આંદોલનની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સરકારની દરેક સંભવ કોશિશ છે આ આંદોલનને અસફળ બનાવવાની પરંતુ ખેડૂતો કોઈ પણ ભોગે સરકાર આગળ ઝૂકવા તૈયાર નથી.
સિરોહીએ વધુમાં જણાવ્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ખેડૂતો પોતે ગામથી બહાર નીકળીને પોતાનો સામાન વેચવા જવા માટે તૈયાર નથી. તેઓ સરકારની નીતિઓથી એટલા પરેશાન છે કે તેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ઉઠાવવા માટે ખચકાઈ રહ્યાં છે. પોલીસ જરૂર ખેડૂતોને ભડકાવવામાં અને ઉક્સાવવામાં લાગી છે, જેથી કરીને સ્થિતિ વણસે.
સરકાર દ્વારા આ આંદોલનને કોંગ્રેસનું બતાવીને પ્રચારિત કરવાને લઈને પણ ખેડૂતોમાં ખુબ નારાજગી છે. રાષ્ટ્રીય ખેડૂત મજૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માનું કહેવું છે કે સરકાર ખેડૂતોની વાત ન કરીને આંદોલનને લઈને ભ્રમ ફેલાવવામાં લાગી છે. સવાલ એ નથી કે આ આંદોલન કોનું છે. સવાલ એ છે કે ખેડૂતોની કાયદેસર માગણી સરકાર કેમ માનતી નથી. શર્માએ 10 જૂનના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં કર્મચારીઓ, વ્યાપારીઓ અને ખેડૂતોને સામેલ થવાની અપીલ કરી છે. આ બંધ બપોરે 2 વાગ્યા સુધી જ રહેશે.
બીજી બાજુ પોલીસ અને પ્રશાસને ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોથી શહેરી વિસ્તારોમાં આવતા દૂધ વિક્રેતાઓ, શાકભાજી વિક્રેતાઓ પર ખાસ નજર રાખી છે. ઠેર ઠેર પોલીસ તહેનાત કરાઈ છે. અર્ધસૈનિક દળોની કંપનીઓ પણ સુરક્ષા માટે બોલાવવામાં આવી છે.