વિવેક ઓબેરાય, પંડિત જસરાજ સહિત 900થી વધુ કલાકારોની અપીલ, ભાજપને મત આપો
કલાકારો તરફથી જાહેર કરાયેલા નિવેનદમાં કહેવામાં આવ્યું છે કે, અમારા દ્રઢ વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીની સરકાર જાળવી રાખવી સમયની જરૂરીયાત છે.
નવી દિલ્હીઃ પંડિત જસરાજ, અભિનેતા વિવેક ઓબેરાય અને રીતા ગાંગુલી સહિત 900થી વધુ કલાકારોએ એક નિવેદન જાહેર કરીને લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી અને કહ્યું કે, દેશને 'મજબૂત સરકાર" જોઈએ ન કે 'મજબૂર સરકાર'. કલાકારોએ લોકોને કોઈપણ દબાવ વિના કે પૂર્વગ્રહ વિના મત આપવાની અપીલ કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'અમારો દ્રઠ વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ચાલું રહેવી સમયની જરૂર છે.' આપણી સામે જ્યારે આતંકવાદ જેવા પડકાર છે, તેવામાં આપણે મજબૂત સરકાર જોઈએ, મજબૂર સરકાર નહીં. તેથી હાલની સરકાર ચાલું રહેવી જોઈએ.
સંયુક્ત નિવેદન જાહેર કરનારાઓમાં શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌડવાલ અને હંસરાજ હંસ પણ સામેલ છે. સંયુક્ત વ્યક્તવ્યમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં એવી સરકાર રહી જેણે ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન અને વિકાસકાર્ય સરકાર આપી છે.
ગત સપ્તાહે રંગમંચ સાથે જોડાયેલી હસ્તિઓએ જાહેર કર્યો હતો પત્ર
આશરે એક સપ્તાહ પહેલા અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ અને ઉષા ગાંગુલી સહિત રંગમંચની 600થી વધુ હસ્તિઓએ પત્ર જાહેર કરીને ભાજપ અને તેના સહયોગી દળોને સત્તામાંથી બહાર કરવાનું કહ્યું હતું.
આ લોકોએ કહ્યું કે, આજે દેશની અવધારણા મુશ્કેલીમાં છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આજે આપણું બંધારણ ખતરામાં છે. તેણે કહ્યું કે, સરકારે તે સંસ્થાઓનું ગળું દબાવ્યું છે, જ્યાં તર્ક, ચર્ચા અને અસહમતિનો વિકાસ થાય છે.