મુફદ્દલ કપાસી/અમદાવાદ : બે નવોદિત જે એક એવી મૂવીમાં સાથે કામ કરતાં હોય, જે એક વર્લ્ડક્લાસ સિનેમાની રિમેક હોય તો પછી બહુ સમજી શકાય તેવી વાત છે કે તેમના પર અપેક્ષાનો કેટલો બધો બિનજરૂરી બોજ હશે. પોતાની પહેલી જ મૂવીથી છાપ છોડનારા ઇશાન ખટ્ટરને રોમાન્ટિક અવતારમાં પણ જાણે કે કોઇ જ સમસ્યા થઇ નથી. હા જાહ્નવી કપૂર કેટલાંક દ્રશ્યોમાં હજુ એ સ્તરે નથી પહોંચી શકતી પણ બન્નેએ અહી પોતાના પર પેલા બોજને બહુ આવવા દીધો નથી. સૌથી રસપ્રદ બાબત છે બન્નેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી. એ માટે બે જ દ્રશ્યો ટાંકવા છે. એક દ્રશ્ય જેમાં ઇશાન અને જાહ્નવી ઉદયપુરના એક તળાવની પાળે પ્રેમાલાપ કરતાં બેઠા હોય છે એ દ્રશ્યમાં બન્ને વચ્ચેના રોમાન્સની કેમેસ્ટ્રી અને ત્યારપછીનું બીજું એક દ્રશ્ય જેમાં બન્ને એ જ તળાવના પાળે ભયથી કાંપતા, લપાતા છૂપાતા બેઠા હોય છે. રિપીટ અહી પણ કમાલની કેમેસ્ટ્રી દેખાય છે બન્ને વચ્ચે. આ સિવાય ઘણાં એવા દ્રશ્યો છે જેમાં રોમાન્સ અને ફીલગુડ ફ્રેશનેસ બન્ને જણ લાવી શક્યાં છે. ઇશાન અભિનયનો એકડો છે તો જાહ્નવી અભિનયનો એકડો ઘૂંટી રહી છે ! પણ તોય બન્નેને સ્ક્રીન પર સાથે જોવા ગમે છે. જાહ્નવીનો રૂઆબ પણ જોવો ગમે છે અને ભાગી છૂટ્યાં બાદ એના ચહેરા પરનો એ ડર, ગભરામણ પણ અનુભવાય છે. ઇશાન ધીમે ધીમે બોલિવૂડનું મહત્વનું અંગ બની જશે એમાં કોઇ શંકા નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બબ્બે 'દુલ્હનિયા' મૂવી ફેઇમ ડિરેક્ટર શશાંક ખેતાન યુવા હૃદયને પારખીને સફળતાનો સ્વાદ ચાખી ચૂક્યાં છે. મૂવીના ફર્સ્ટ હાફમાં શશાંકનો એ જાદૂ રિપીટ દેખાય છે. ફર્સ્ટ હાફમાં યારી દોસ્તી, ઇશ્ક-વિશ્ક બધું જ ટિપીકલ શશાંક ખેતાન ટાઇપનું છે. ફર્સ્ટ હાફમાં એટલે જ હ્યુમર સાથે રોમાન્સનો મજ્જો મૂવીને ક્યાંય બોરિંગ બનવા દેતો નથી. જો કે ખેતાનની કસોટી સેકન્ડ હાફમાં છે. એક તબક્કે અહી થોડી ગ્રીપ છૂટી જતી હોય એવું લાગે છે. ચોમાસાના વરસાદ બાદ આંખોને આંજતી લીલીછમ્મ બની જતી પ્રકૃતિ જેમ પહેલો હાફ સરસ ગતિએ જાય છે. પણ સેકન્ડ હાફમાં બધું શુષ્ક લાગવા લાગે છે. થોડીવાર એવું લાગે છે કે ઇન્ટરવલનો બ્રેક લીધા બાદ કોઇ બીજા સિનેમાહોલમાં જતા રહ્યા હોઇએ. હકિકતમાં સ્ક્રીન પ્લે પણ ખુદ લખનારા શશાંક બીજા હાફમાં  કંઇ ખાસ નવું નથી કરી શક્યાં.એવું લાગે કે ક્લાઇમેક્સ સુધી વાર્તાને લઇ જવામાં તેમનો ચાર્મ મિસિંગ છે. અને એમાંય બધાથી અલગ અને વધુ શોકિંગ અંત આપવામાં શશાંકે દર્શકો અને લીડ કેરેક્ટર્સ વચ્ચે ઉભું થયેલું ક્નેક્શન પણ થોડાઘણાં અંશે વેડફી નાખ્યું છે. ડરામણી આંખો ધરાવતા આશુતોષ રાણાની પણ ક્યાંય ધાક વર્તાતી નથી. મૂળ તો શશાંક અહી એન્ટાગનિસ્ટની ધ્રૂજાવી દે તેવી ધાક જ ઉભી નથી કરી શક્યાં.

ટાઇટલ સોંગ ધડક ખરેખર અદ્દભૂત બન્યું છે. તો ઝિંગાટ તો અપેક્ષિત રીતે જ ગમે તેવું છે. પણ મને સૌથી વધુ ગમ્યું સોંગ પહેલી બાર. મૂળ મરાઠી મૂવીના સોંગ યાદ લાગ્લાની થીમ પર જ કમ્પોઝ થયેલાં પહેલી બારને અમિતાભ ભટ્ટાચાર્યએ અદ્દભૂત લખ્યું છે. પણ તેમાં જીવ રેડ્યો છે મૂળ મરાઠી ગીત ગાનારા અને સંગીત આપનારા ડ્યુઓ અજય-અતૂલ પૈકીના અજયે. મ્યૂઝિક ચોક્કસથી અહી સ્ટ્રોંગેસ્ટ પાર્ટ છે. ટાઇટલ સોંગ ધડક, આ પહેલીબાર અને ઝિંગાટ ત્રણેય ગીતનું ફિલ્માંકન પણ સુપર્બ છે. એમાંય ઝિંગાટમાં ઇશાનની એનર્જી અને સોંગના એક પાર્ટમાં ગુસ્સે થતી જાહ્નવીના એક્સપ્રેશન ગજબના છે. અન્ય કોઇ કરતાં મધુના દેઢ ફૂટિયા મિત્રનું પાત્ર ભજવતા શ્રીધર વત્સરે પણ ગલગલિયા કરાવતો અભિનય કર્યો છે. તો ફર્સ્ટ હાફમાં ઉદયપૂરના અદ્દભૂત દર્શન કરાવતા વિષ્ણુ રાવની સિનેમેટોગ્રાફી થ્રૂ આઉટ લાજવાબ છે.

સૈરાટ સાથે સરખામણીના ઘોડાપૂરનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થઇ રહ્યું છે ! બહુ સ્વાભાવિક હતું કે ધડક રિલીઝ થતાં જ તેની દરેક બાબતોની સરખામણી મરાઠી સિનેમાનું માસ્ટરપીસ ગણાતી મૂવી સૈરાટ સાથે થશે. પણ સૈરાટની જ કહાની હોવા છતાં ધડક એક સ્વતંત્ર મૂવી તો છે જ ને! તર્ક એવા પણ લગાડવામાં આવશે કે રિમેક હોય ત્યાં સરખામણી તો થવાની જ. પણ એ હકિકત સહુએ સ્વીકારવી જ રહી કે જે ઓરિજનલ હોય છે તે ઓરિજનલ હોય છે. મને નથી યાદ કે કોઇપણ રિમેક ઓરિજનલને પણ જબરદસ્ત રીતે ઓવરટેક કરી ગઇ હોય. આટલું બધું એટલે લખવું પડ્યું કે હાલમાં સોશિયલ મીડિયા પર ધડક અને સૈરાટની સરખામણીની હરિફાઇ ચાલી રહી છે. ઠીક છે. પણ આટલું બધુ પેસિમીઝમ શા માટે ? આટલી બધી નકારાત્મકતા શા માટે ? ધડકને તેમાં રહેલી પોઝિટીવ બાબતો માટે આવકારી શકાય.

ટૂંકમાં કોઇપણ પ્રકારની અપેક્ષા વિના એક સંગીતમય પ્રેમકથા જોવા જવી હોય તો ધડક ચોક્કસથી વન ટાઇમ વૉચ છે. સ્પેશ્યિલી ઇશાન અને જાહ્નવીની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી માટે અને હા જાહ્નવી એક દ્રશ્યમાં બંદૂક લઇને બધાના છક્કા છોડાવે છે. યુ વીલ લવ ધેટ !