મુફદ્દલ કપાસી/ અમદાવાદ: જેના પોસ્ટરમાં પણ 'સુપરસ્ટાર રજની' લખવું પડે એવું સુપરસ્ટારડમ ભોગવતાં રજનીકાંતની કાલા અને બોલિવૂડના સુપર'ભાઇ' સલમાનની રેસ-3, આ બન્ને મૂવી હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. બન્નેમાં સામ્યતા એ જ છે કે કન્ટેન્ટ અને વાર્તા કરતાં લાર્જર ધેન લાઇફ સ્ટારડમને દર્શાવવાનો મેકર્સનો પ્રયાસ. અબ્બાસ-મસ્તને 2008માં ચાલુ કરેલી રેસ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી મૂવી છે. તેના ઓરિજનલ ક્લેવરની જેમ જ અહી એક્શન-થ્રીલ-રોમાંસ-મ્યુઝિકના દાબડા ભરી ભરીને મૂવીને ભરચક બનાવવાનો પ્રયાસ થયો છે. જો કે મેકર્સને ખબર છે.(અફકૉર્સ તોરાની'ઝ બાકી તો ભાઇના જ રૂપિયા છેને આ મૂવીમાં) જ્યાં એક ત્રાજવામાં સલમાનનું સ્ટારડમ રાખીશું ત્યાં બીજીતરફ આ બધાં એલિમેન્ટ્સના ભાજીમૂળા થઇ જવાના !

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્તા આર્મ્સ ટ્રેડર અનિલ કપૂર અને તેના બે સંતાનો સાકીબ સલીમ(ક્યાંથી લઇ આવ્યાં છે આને!) અને ડેઇઝી શાહ ઉપરાંત સાવકા 'ભાઇ' સિકંદરની સાથે શરૂ થાય છે. એમાં એડ કરાય છે સિકંદરના બોડીગાર્ડ બોબી દેઓલને. ભાઇ જ્યાં એકલા હાથે 100-200ને ઢીબી નાખવાની તાકાત રાખતા હોય ત્યાં એને બોડીગાર્ડની શું જરૂર ? ને પછી ઉમેરાય છે ભાઇનું લવ એલિમેન્ટ એટલે જેક્લીન. થોભો, આ તો શરૂઆતમાં આ બધાનો આ રીતે ઇન્ટ્રો કરાવ્યો છે પછી તો આ રેસ છે ક્યારે, ક્યા, શું, કેવી રીતે થઇ જાય એ રાઇટર્સને પણ કદાચ ખબર ન રહે એવું બની શકે. તમે વાર્તામાં કોઇપણ ટ્વિસ્ટ આવે તો એ જ સાચુ એમ માની લો તો વળી પાછો કોઇ ટ્વિસ્ટ આવી શકે છે ! ના, કદાચ એવું પણ નથી પણ જ્યાં ઠીક લાગે ત્યાં રાઇટરે 
વાર્તામાં પાછળથી ટ્વિસ્ટ નાખ્યાં જ કર્યાં છે જે કદાચ એન્ડલેસ છે.

જબ સલમાન ખાન રાજી, તો ક્યા કરેગા રેમો કાઝી ! રેમોનું કલ્ચર ડાન્સનું છે તેણે એબીસીડી જેવી મસ્ત મૂવીઝ આપી છે પણ તે નાહક બીજા જોન્રાના પેંગડામાં પગ ઘાલવા જાય છે. અરે ડાન્સ જેનું મૂળ છે એ રેમોનું ડિરેક્શન હોવા છતાં કોઇ ડાન્સ સોન્ગ મજા કરાવે એવું બન્યું નથી. ઇનફેક્ટ રેસ સિરીઝની અગાઉની મૂવી કરતાં વિપરિત અહી એક પણ ગીત દિલમાં સીધું ઉતરી જાય એવું નથી. એટલે જ અગાઉનું અલ્લાહ દુહાઇ હૈ. સોન્ગ મોડીફાઇ કરીને અહી નાખવુ પડ્યું. બાકી મેચમાં માંડ ઓવર નખાવાની શરૂ થઇ હોયને વરસાદ ટપકી પડે એમ અહી વારંવાર બીનજરૂરી ગીતો ટપકી પડે છે !

સલમાન ખાનની એક એક સિકવન્સ પર ચીચીયારીઓ કરતાં 'મે મર જાવા' ફેન્સથી સિનેમાહોલ ભરેલો હતો. એટલે 150 કરોડથીય વધુ બજેટની આ મૂવીને નાણાં ડૂબવાનો તો ડર નથી પણ તો પછી આટઆટલું લખ્યાં પછી કંઇક તો એવું હશેને જે મજા કરાવી દે. વેલ જો તમે ઢીસૂમ લેવલના માસ મસાલા, ઓન્લી એન્ટરટેઇનર અને જેને સિનેમાના એથિક્સ સાથે લેવા દેવા નથી તેવા મૂવી જોઇનેય હળવા થઇ શકો તો આ મૂવી બેસ્ટ ચોઇસ છે. ખાસ તો અયનન્કા બોઝની સિનેમેટોગ્રાફી શાનદાર છે. કેટલાંક સુપર લોકેશન્સ સ્ક્રીન અને સિકવન્સને વધુ લ્યુક્રેટિવ બનાવે છે ! તો હોલિવૂડના કદાવર સ્ટંટ કૉ-ઓર્ડિનેટર ટોમ સ્ટ્રધર્સ અને ટીમનો કસબ કેટલાંક વર્લ્ડક્લાસ સિકવન્સીસ રચવામાં દેખાય આવે છે. ક્લાઇમેક્સ પહેલાં આવતાં બેક ટુ બેક ટ્વિસ્ટને લીધે સેકન્ડ પાર્ટમાં થ્રીલ ડેવલપ થાય છે. તો જેકલીનની સાથે સુપરહોટ દેખાવામાં ડેઇઝીએ પણ હરીફાઇ કરી છે. સ્ક્રીન પર બન્ને ધ્યાન ખેંચે તેવી રૂપકડી તો લાગે જ છે. વળી બન્ને 'મારફાડ' પણ છે. બાકી 'ભાઈ'ની બોડી પર જેટલું 'માસ' છે એના કરતા ત્રણગણું વધારે 'મસાલા' એલિમેન્ટ છે આ મૂવીમાં.

સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં સહુને સાથે લઇને ચાલનારો છે. પોતાનું ગંજાવર સ્ટારડમ અને ઇન્ડસ્ટ્રીમાં ટોચનું માન-સન્માન હોવા છતાં પોતાની જ હોમ પ્રોડ્કશન મૂવીમાં તેણે અનિલ કપૂરને ટોપબીલીંગ આપીને દિલેરી દર્શાવી છે. ભાઇ દિલેર તો છે જ એના ચાહકો પણ એટલાં જ દિલેર છે. એ દિલેરી બોક્સઓફિસ પર જરૂર દેખાવાની. બાકી મગજ અને સિને એથિક્સ બાજુ પર મુકીને આ મૂવી તમે ગમે એટલીવાર જોઇ શકો છો !