મુફદ્દલ કપાસી/અમદાવાદ : સંઘર્ષની અંધારી ગલીઓમાંથી ઘસાઇને, અથડાઇને, શરમાઇને, છોલાઇને નીકળેલા હીરાની ચમક અને તેની એ સફરની કહાની કહેતી ઢગલાબંધ મૂવીઝ આપણે ત્યાં આ પહેલાં પણ આવતી રહી છે. વાર્તાનો બેઝ બહુ સીધો સાદો સિમ્પલ હોય છે. વાર્તાનો નાયક ખૂબ ગરીબીમાં સબડે છે. એ ગરીબીમાંથી બહાર નીકળવાનું તેનું એક સપનું છે. એ સપનું જીવવા જતાં તેને લાખ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મિત્રોનો સાથ મળે છે અને પછી કિસ્મત ચમકે છે, પણ એક શાયરે જેમ કહ્યું છે ને તેમ મંઝિલ પર પહોંચવું નહી પણ સફર રોમાંચક હતી. એ જ રીતે આ આખી યાત્રા લખાઇ કેવી રીતે છે, ફિલ્માવાઇ કેવી રીતે છે, તેમાં કોનો કેવો અભિનય છે. વેલ, ગલીબોય તેના અફલાતૂન એક્ઝીક્યુશનને લીધે જ સરસ બની છે. એટલે કે વાર્તા કે કથાનક ભલે બહુ નવો ન લાગે પણ એક્ઝીક્યુશન સારું હોય તો મૂવી જોવી ગમે. ગલીબોય સાથે પણ આવું જ કંઇક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડના બે સૌથી હોનહાર યુવા અદાકાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જે મૂવીની લીડ પેર હોય ત્યાં બાકીના કલાકારો માટે કામ થોડું ચેલેન્જિંગ બની જવાનું એ બિલકૂલ સાફ વાત છે. શું તમે ક્યારેય એવું જોયું છે કે ટેલેન્ટના પાવરહાઉસ જેવા બે લીડ સ્ટારને બાકીની સપોર્ટિંગ કાસ્ટ આઉટ સ્માર્ટ કરી નાખે. ના, એનો મતલબ એવો નથી કે ગલીબોયમાં રણવીર-આલિયા જરા પણ નબળા પડે છે. પણ ન કે ઓછા જાણીતા ચહેરા હોવા છતાં દમદાર પર્ફોર્મન્સ આપીને તમને એના વિશે સર્ચ કરવા મજબૂર કરે એ ઘટના પણ ઓછી રોમાંચક નથી. રણબીર અને આલિયા આ બે જ સ્ટારને હાયર કરવામાં નિર્માતાને પરસેવો વળી જાય એવી ફી તેમની છે. પણ જેમના નામ પણ બહુ જાણીતા નથી તેવી ઓછી જાણીતી સ્ટારકાસ્ટ પણ તમને અચંબામાં મુકી દે તો પહેલો શ્રેય ડિરેક્ટરને આપવો ખપે. 


ઝોયા અખ્તર, યુ નેઇલ્ડ ઇટ ડિયર. ઝોયાના નિર્દેશનનો કમાલ સ્ક્રીન પર સતત દેખાતો રહે છે. ચાહે એ જેલમાં પોતાના મિત્રને મળીને મિત્રતા નિભાવવાની વાત કરતા નાયકનું દ્રશ્ય હોય કે સતત અદબ રાખ્યાં પછી અદબનો બંધ તૂટે ત્યારે પોતાના જ પિતાને ધમકાવતા પુત્રનું દ્રશ્ય હોય. પહેલીવાર પરફૉર્મ કરવા જતાં ગભરાઇને પીછેહઠ કરતાં નાયકનું દ્રશ્ય હોય કે બે પ્રેમપંખીડાની બારી અને રસ્તા પરથી થતી વાતચીતનું દ્રશ્ય હોય. ઝોયાનું ટેલેન્ટ આ બધા દ્રશ્યોમાં નિખરે છે. પણ ઝોયાને શાબાશી અપાવનારા અદાકારને પણ અહીં ભૂલવા ન જોઇએ. અપાર્ટ ફ્રોમ રણવીર-આલિયા, આ મૂવીના ચમકતા સિતારા છે વિજય રાઝ, વિજય વર્મા, સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કી. આ તમામના પાત્ર ઠીકઠાક લંબાઇના છે અને તમામે સુપ્રીમ અભિનય કર્યો છે. 


ગલીબોય મુરાદના મિત્ર એમસી શેરના પાત્રમાં નવોદિત સિદ્ધાંત ચતુર્વેદી લાજવાબ છે. એટલો જ સુપર્બ અભિનય કર્યો છે ટપોરી દોસ્ત મોઇનના પાત્રમાં વિજય વર્માએ. વિજય એક દ્રશ્યમાં તો અલ્ટિમેટ છે. હંમેશાની જેમ વિજયરાઝ પણ મસ્ત અભિનય કરી ગયા છે..તો કલ્કી ટૂંકા પાત્રમાં પણ અડોરેબલ લાગે છે. આ સિવાયના બધાં જ મસ્ત છે. હવે વાત કરીએ લીડ પેરના અભિનયની રણવીર દરેક મૂવી સાથે તેના અભિનયના લેયર્સ ખોલતો જાય છે. એ અનસ્ટોપેબલ છે. અને એટલી જ લાજવાબ આલિયા પણ છે. આલિયા તેના અભિનયથી તમને તેના પ્રેમમાં પાડવા સક્ષમ છે.
    
રેપ કે હીપહોપ મ્યૂઝિક ભલે નાના શહેરો સુધી એટલું લોકપ્રિય ન હોય પણ લાગે છે કે ગલીબોય તેમાં બદલાવ લાવી શકે છે. ગલીબોયના ત્રણથી ચાર રેપ સોંગ મ્યૂઝિકલી સરસ હોવા ઉપરાંત જોશ ચઢાવે છે. દૂરી અને અપના ટાઇમ આયેગા બંને સરસ લખાયા છે. વાર્તાનો ટોન સતત પોઝિટીવિટીવાળો છે. વાર્તાના લેયર્સ મલ્ટિપલ સ્પીરીટવાળા છે. અહિયાં બધાં એક કે બીજી રીતે ફાઇટર્સ છે. નાયક મુરાદની પોતાની કિસ્મત સાથે લડાઇ છે. નાયિકા શફીનાની પોતાના આઝાદ વિચારો માટે લડાઇ છે. નશેડી બાપની ઓલાદ એમસી શેરની પણ સંઘર્ષની લડાઇ છે. ઓવરઓલ દરેકમાં લડવાનો અભિગમ છે. જ્યાં લડાઇમાં થાક વર્તાય ત્યાં જ કોઇનો સધિયારો મળી રહે છે. ટૂંકમાં તમે કોઇ સપનું જોયું હોય તો તેને મેળવવા આડે તમને જો કોઇ આંતરિક કે બાહ્ય પરિબળ અટકાવે ત્યારે કેવી રીતે માત્ર સપના પર જ ફોકસ કરવું જોઇએ તે કહેતી કહાની છે ગલીબોય. વાર્તા કોઇ અન્ય મૂવીથી ઇન્સ્પાયર છે તેવી ચર્ચાઓનો કોઇ મતલબ નથી કેમ કે અહીં તો તમારે સહુના પરફોર્મન્સ જોવાના છે. અને એ બિલકૂલ ઓરિજનલ છે !  ઇનશૉર્ટ, એક જૂઓ ત્યાં એક ભૂલો તેવા દમદાર અભિનય અને મસ્ત ડિરેક્શન સાથેની એક સરસ વાર્તા જોવી હોય તો ગલીબોય જરૂર જોવી જોઇએ.