પાર્થ શર્મા/અમદાવાદઃ નટ સમ્રાટ માટે માત્ર મારી પાસે અદભુત અદભુત અને અદભુત જ શબ્દ છે, ખરેખર એકદમ વાસ્તવિક પરિસ્થિતિઓને ટચ કરી જાય તેવી ફિલ્મની વાર્તા અને ડાયલોગ છે. સૌથી પહેલાં તો નટ સમ્રાટ નામનું એક મરાઠી નાટક આવ્યું હતું. તેના પરથી મરાઠી ફિલ્મ બની જેમાં નટસમ્રાટની ભૂમિકા નાના પાટેકરે ભજવી હતી. હવે, એ જ નાટક પરથી ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ બની છે, જેમાં મુખ્ય ભૂમિકા સિદ્ધાર્થ રાંદેરિયા ભજવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગુજરાતી ફિલ્મ જોયા પછી મરાઠી ફિલ્મ પણ જોઈ જેથી મુવીનો તાલ ખબર પડે. ગુજરાતી ફિલ્મ મરાઠી કરતાં થોડી વિક છે. ફિલ્મનો પહેલો ભાગ અને બીજો ભાગ બન્ને દર્શકોને સહેજેય બોરિંગ કરતો નથી. ફિલ્મમાં આગળ શું થશે તેવી વારંવાર ઉત્સુકતા જગાવી દે છે અને ઇન્ટરવલ ક્યારે આવી ગયો એ ખબર જ ના પડી. તેનું મૂળ કારણ ફિલ્મમાં રહેલા ડાયલોગ અને મજબૂત સ્ક્રીન પ્લે છે, જે દર્શકોને જકડી રાખે છે.


મૂળ વાર્તાને સંક્ષિપ્તમાં કહું તો નટસમ્રાટ ઉર્ફે હરીન્દ્ર પાઠક એટલે જે આપણા સૌના ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા જે વર્ષો સુધી રંગમંચ પર પોતાનો અભિનય કરતા હોય છે અને તેમાંથી નિવૃત્તિ લઇ લે છે. પોતાની સંપતિ પુત્ર અમરના નામે કરી દે છે અને પછી ખુશખુશાલ જિંદગીની મજા પત્ની મંગળા પાઠક એટલે કે દીપિકા ચીખલીયા સાથે જીવે છે. 


કહેવાય છે ને કે ઘરે ઘરે માટીના ચુલા, માણસ ઘરડો થાય એટલે વહુઓને નથી ગમતો હોતો અને કલેશ થવાનું ચાલુ થાય છે. એ પછી ગુજરાતી-અંગ્રેજી ભાષાને લઈને હોય કે પછી પારિવારિક ઝઘડાઓને લઈને. અંતે હરીન્દ્ર પાઠક અને મંગળા પાઠક ઘર છોડીને ચાલ્યા જાય છે. 


સૌ પ્રથમ તેઓ તેમના મિત્ર માધવ (મનોજ જોશી)ને ત્યાં જાય છે જેને વર્ષો સુધી હરીન્દ્રભાઈએ સાથ આપ્યો હોય છે. તે પણ તેમણે સપોર્ટ નથી આપતા અને કાઢી મુકે છે. ત્યાંથી પતિ-પત્ની પુત્રીને ત્યાં જાય છે, પુત્રી પણ પિતા તરફ શંકા કરે છે અને આ બધાથી કંટાળીને બંને ગામડે જવાનું નક્કી કરે છે. 


ત્યાં તેમને હેમાંગ શાહ કે જે મીઠાની ફેક્ટરીમાં કામ કરતો હોય છે તે મળી જાય છે. તે તેમની સારસંભાળ રાખે છે અને હવે આગળ શું થાય છે તે જાણવા તમારે થિયેટરમાં જવું પડે અને ફિલ્મને માણવી પડે.


અભિનયની વાત કરીએ તો ફિલ્મના બે ત્રણ સીનમાં ઓવરએક્ટિંગ થતી હોય એવું લાગે છે. ખાસ કરીને જયારે હરીન્દ્ર પાઠકને તેમની દીકરી દિપાલી મનાવી રહી છે કે પાપા મારાથી ભૂલ થઇ છે તે વાળો સીન, બીજો ચોરી વાળો સીન કે દીઅપલી એમના ઘરે ચેકિંગ કરવા માટે જાય છે તે સીન થોડો લંબાવવામાં આવ્યો છે.


બાકી ઓવર ઓલ ફિલ્મમાં એક્ટિંગ, દિગ્દર્શન અને સંગીતનું પાસું પણ મજબૂત છે. ફિલ્મમાં થોડું હાસ્ય પણ છે જે વચ્ચે વચ્ચે તમને અમુક સીનમાં કંટાળો ચઢે તો તરત જ સ્મિત પંડ્યા એટલે કે બાબુ આવે છે. હેમાંગ, સંવેદના, દીપિકાબેન અને મનોજ જોશી પણ ફિલ્મને ચાર ચાંદ આપવાનું કામ કરે છે. 


આ વખતે ફિલ્મમાં તમને "એની માં"ને સંભાળવા માટે નહિ મળે, ગુજ્જુભાઈ કોમેડી પાત્ર ભજવતા ગુજ્જુભાઈ તરીકે નહિ પરંતુ સિદ્ધાર્થ રાંદેરિયા તરીકે જોવા મળશે. આશા છે કે તમને ગુજ્જુભાઈનો નવો અવતાર પણ ગમશે જ.


સ્ટારકાસ્ટઃ સિદ્ધાર્થ રાંદેરિયા, દિપીકા ચિખલિયા, હેમાંગ શાહ, સ્મિત પંડ્યા
ડિરેક્ટરઃ જયંત ગિલાતર
રેટિંગ ઃ 3.5 સ્ટાર