ફિલ્મોના નામે `નશાનો કારોબાર` : ફિલ્મ પ્રોડ્યુસર પકડાયો, હવે ખૂલશે નવા નામો
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સાદિકને ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્કનો માસ્ટરમાઇન્ડ અને કિંગપિન ગણાવ્યો છે. એનસીબી લાંબા સમયથી સાદિકને શોધી રહી હતી અને તમિલનાડુમાં દરોડા પણ પાડ્યા હતા. હવે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ફિલ્મોની આડમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ રેકેટ ચલાવનાર ફિલ્મ પ્રોડ્યુસર જફર સાદ્દિક આખરે સકંજામાં આવી ગયો છે. દિલ્લી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તમિલ ફિલ્મ પ્રોડ્યુસર જફર સાદ્દિકની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં થયા છે મોટા ખુલાસા.. સાદ્દિક 4 હજાર કરોડના ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનું સંચાલન કરતો હતો. જેના તાર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી ફેલાયેલા છે... એનસીબીએ તાજેતરમાં 50 કિલોગ્રામ સુડોઅફેડ્રિલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.. જેને નારીયેળ અને ડ્રાયફ્રૂટની આડમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા મોકલાતો હતો.
જફર સાદ્દિક આમ તો એક ફિલ્મ પ્રોડ્યુસર છે પરંતુ તેનો મુખ્ય ધંધો ડ્રગ્સ તસ્કરીનો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, તે ડ્રગ્સ કારોબારમાં કમાયેલા કાળા નાણાને ફિલ્મ મેકિંગ, રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓમાં લગાવતો હતો. તાજેતરમાં જ આ સિન્ડિકેટ સાથે જોડાયેલા ત્રણ આરોપી પકડાયા હતા. જેમની પૂછપરછમાં જફરનું નામ સામે આવ્યું હતું.. જોકે સંકટને ભાળી ગયેલો જફર ફરાર થઈ ગયો હતો. જે દરમિયાન તે અલગ અલગ શહેરોમાં છૂપાતો ફરતો હતો. જોકે આખરે તે NCBના સકંજામાં આવી ગયો છે.
આ પણ વાંચોઃ 'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
તપાસમાં બહાર આવ્યું છે કે, જફર સાદ્દિકના સંબંધ ડીએમકે પાર્ટી સાથે પણ છે. જફરે પૂછપરછ દરમિયાન તમિલનાડુના મંત્રી ઉદયનિધી સ્ટાલીનને 7 લાખ રૂપિયા આપ્યાની પણ કબૂલાત કરી છે. જેમાં 5 લાખ પૂરની સહાય અને 2 લાખ પાર્ટીને ડોનેશન તરીકે અપાયા છે. જોકે એનસીબી હવે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સ્ટાલિનને રૂપિયા આપવા પાછળ સાદ્દિકનો ઈરાદો શું હતો. ? વળી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઈડીને પણ પત્ર લખી રહી છે. જે બાદ અનેક ફિલ્મી ફાયનાન્સરની પૂછપરછ થઈ શકે છે.
સાદ્દિક ડ્રગ્સનો જથ્થો દેશની બહાર મોકલવા માટે પ્રતિકિલો 1 લાખ રૂપિયા લેતો હતો. અત્યાર સધીમાં તેણે 3500 કિલો એટલે કે 4 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હોવાનો ખુલાસો થયો છે. સાદ્દિકે તમિલ ફિલ્મ મંગઈ સંપૂર્ણ રીતે ડ્રગ્સના રૂપિયાથી જ બનાવી હતી. મહત્વનું છે કે, સુશાંતસિંહ રાજપૂતની મોત બાદ બોલીવુડમાં ડ્રગ્સના જાળની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનથી લઈને ભારતીસિંહ જેવા નામ સામે આવ્યા હતા. જોકે ફરી એકવાર જફર સાદ્દિકની ધરપકડ સાથે બોલીવુડ અને ટોલીવુડમાં નશાનો કારોબાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમા હવે કોના કોના નામો સામે આવે છે, તે જોવું રહ્યું..