નવી દિલ્હી: પત્રકાર રશીદ કિદવઈએ પોતાના પુસ્તક 'નેતા અભિનેતા: બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં દેશના મશહૂર ગાંધી પરિવાર અને બોલિવૂડના પ્રસિદ્ધ કપૂર ખાનદાન અંગે અનેક રોચક કિસ્સાઓ જણાવ્યાં છે. આ સંદર્ભમાં રશીદે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે રાજ કપૂરની પૌત્રી અને બોલિવૂડની મશહૂર અભિનેત્રી કરીના કપૂરે 2002માં રાહુલ ગાંધીને પોતાની પસંદ ગણાવ્યાં હતાં. તેમણે એમ પણ લખ્યું છે કે કથિત રીતે રાહુલ ગાંધી પણ કરીનાની ફિલ્મો 'પહેલા દિવસ, પહેલો શો' જોવામાં રસ ધરાવતા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રોંદેવુ વિથ સિમી ગરેવાલ' નામના ટીવી શોમાં જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું હતું કે કોઈ એક એવી વ્યક્તિનું નામ જણાવો કે જેને તે ડેટ કરવા માંગતી હોય. જેના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે "હું કહી નાખું? મને ખબર નથી કે કહેવું જોઈએ કે નહીં... તે વિવાદાસ્પદ છે... રાહુલ ગાંધી. મને તેમને સમજવા અને જાણવામાં કોઈ મુશ્કેલી નથી. મેં તેમની તસવીર જોઈ છે...અને વિચાર્યું છે કે તેમને જાણવા સમજવા કેવું રહેશે. હું ફિલ્મી પરિવારમાંથી આવું છે. તેઓ રાજકીય પરિવારમાંથી આવે છે. તો કદાચ અમારી વચ્ચે રસપ્રદ વાતચીત થાય."


જો કે 2009માં કરીના પોતાના આ નિવેદનથી પલટી ગઈ હતી અને તેને જ્યારે રાહુલ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે "તે બહુ જૂની વાત છે. મેં એટલા માટે કહ્યું હતું કારણ કે અમારા બંનેની સરનેમ ખુબ મશહૂર છે. હું કોઈ દિવસ તેમની મેજબાની કરવા માંગીશ. તેમને વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છીશ. પરંતુ નિશ્ચિત રીતે હું તેમને 'ડેટ' કરવા માંગતી નથી."


રાજકપૂરની પુત્રી સાથે રાજીવના લગ્ન કરાવવા માંગતા હતાં ઈન્દિરા ગાંધી
રાજકારણમાં પ્રભાવશાળી નહેરુ-ગાંધી પરિવાર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ કપૂર પરિવારની નીકટતા જગજાહેર છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તેમના મોટા પુત્ર રાજીવ ગાંધીના લગ્ન કરાવવા હતાં. પત્રકાર રશીદ કિદવઈએ પોતાના પુસ્તક 'નેતા અભિનેતા: બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં લખ્યું છે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને દિગ્ગજ અભિનેતા રહી ચૂકેલા પૃથ્વીરાજ  કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી અને ઈન્દિરા ગાંધીના મનમાં પણ કપૂર પરિવાર માટે ખુબ આદર અને સન્માન હતું. 


'જવાહરલાલ નહેરુ અને પૃથ્વીરાજ કપૂર વચ્ચે હતી ગાઢ મિત્રતા'
પુસ્તક મુજબ ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતાં કે બંને પરિવારો વચ્ચેનો સંબંધ મિત્રતા કરતા આગળ વધે. આ માટે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લગ્ન રાજ કપૂરની મોટી પૂત્રી રીતુ સાથે કરાવવાનું વિચાર્યું હતું. પુસ્તકમાં રશીદ લખે છે કે એવું નથી કે ઈન્દિરા ગાંધીને બોલિવૂડમાંથી વહુ જોઈતી તી કે સ્ટાર જેવી કોઈ વસ્તુ સાથે તેમને લગાવ હતો. તેમના મનમાં કપૂર પરિવાર માટે સન્માન અને આદર હતો. 


જો કે રાજ કપૂરની પુત્રી સાથે રાજીવ ગાંધીના લગ્ન કરાવવાની ઈન્દિરા ગાંધીની ઈચ્છા પૂરી થઈ નહીં. કારણ કે રાજીવ ગાંધી જ્યારે અભ્યાસ મામલે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા તો ત્યાં તેમની મુલાકાત સોનિયા માઈનો (સોનિયા ગાંધી) સાથે થઈ. બંનેમાં પ્રેમ થયો અને બંનેએ 1968માં લગ્ન કરી લીધા. 


પત્રકાર લેખિકા મધુ જૈનના પુસ્તક 'ધી કપૂર્સ: ધી ફર્સ્ટ ફેમિલી ઓફ ઈન્ડિયન સિનેમા' અને રાજ કપૂરની પુત્રી રીતુના પુસ્તક 'રાજ કપૂર સ્પિક્સ'નો હવાલો આપતા રશીદે  નેતા અભિનેતામાં એક વધુ રસપ્રદ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે રાજ કપૂરની ફિલ્મ આવારા રિલીઝ થયા બાદ જ્યારે દેશ વિદેશમાં તે સુપરહીટ થઈ તો એકવાર નહેરુએ પૃથ્વીરાજ કપૂરને પૂછ્યું હતું કે ભાઈ આ વૈગાબેન્ડ (આવારા) શું છે જે તમારા પુત્રએ બનાવી છે? જ્યારે હું સ્ટાલિનને મળ્યો ત્યારે તેઓ આખો સમય આ અંગે વાત કરતા હતાં. નોંધનીય છે કે જોસેફ સ્ટાલિન સોવિયેત સંઘના તાનાશાહ હતાં. 


હેચેટ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં રશીદે બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય દુનિયાના નીકટના સંબંધોના અનેક કિસ્સાઓ રસપ્રદ અંદાઝમાં રજુ કર્યા છે.