નવી દિલ્હીઃ અકાલી દળના ધારાસભ્ય દ્વારા શાહરૂખ ખાન સામે ફિલ્મ 'ઝીરો'માં શિખોની લાગણી દુભાવા અંગે ફરિયાદ કરાયા બાદ ફિલ્મના નિર્માતાઓ દ્વારા મંગળવારે ખુલાસો કરાયો છે કે, ફિલ્મમાં કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવાનો તેમનો ઈરાદો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી શિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ સમિતિના જનરલ સેક્રેટરી કે જેઓ દિલ્હી અકાલી દળના ધારાસભ્ય પણ છે, મનજિંદર સિંઘ સિરસાએ સોમવારે બોલિવૂડના સુપરસ્ટાર અને અન્ય સામે તેમની આગામી ફિલ્મમાં શિખોની લાગણી દુભાવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. 


ફિલ્મ 'ઝીરો'ના ટ્રેલરને જ્યારે અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સિરસાએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, "ફિલ્મના પ્રોમોમાં શાહરૂખ ખાનને 'ગતરા કિરપાણ' પહેરેલો દર્શાવાયો છે. જેના કારણે દુનિયાભરના શિખ સમુદાયની લાગણી દુભાઈ છે."


આ આરોપોના જવાબમાં ટીમ 'ઝીરો' દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, "ફિલ્મની તસવીરમાં જે દેખાય છે તેને સામાન્ય રીતે લોકો 'કટાર' તરીકે ભારતીય જનસમુદાયમાં ઓળખવામાં આવે છે અને તે ક્યાંયથી પણ 'કિરપાણ' જેવી નથી, જેને ખાલસા સમુદાયના લોકો પહેરે છે."


તેમણે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મના નિર્માતાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ સમુદાયની લાગણી ન દુભાય, જેમાં શિખ સમુદાયનો પણ સમાવેશ થાય છે. 


વધુમાં જણાવાયું છે કે, "અમે અહીં એ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે ફિલ્મમાં જે 'કિરપાણ' દેખાય છે, તે ખરેખર આપણે જેને સામાન્ય રીતે 'કટાર' તરીકે ઓળખીએ છે તે છે."


નિવેદનમાં જણાવાયું છે કે, "આ ફિલ્મ એક વ્યક્તિના અધુરા વિકાસની અને હૃદયદ્રાવક સ્ટોરી છે. અમે આપને (ધારાસભ્ય મનજિત સિંઘ સિરસા)ને ખાતરી આપીએ છીએ કે તમે અમારા મત સાથે સહમત સાથે થશો કે અમે અજાણતા પણ કોઈ ભુલ કરી નથી."