મધર ટેરેસા પર બનવાની છે ફિલ્મ, આ રહી તમામ વિગતો
નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાની બાયોપિક વિશે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે
નવી દિલ્હી : નોબેલ પુરસ્કાર વિજેતા મધ ટેરેસાના જીવન પર આધારિત સત્તાવાર બાયોપિક બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. પ્રોડ્યુસર પ્રદીપ શર્મા, નિતિન મનમોહન, ગિરિશ જૌહર અને પ્રાચી મનમોહન મળીને બાયોપિકને પ્રોડ્યુસ કરશે. ફિલ્મનું નામ હશે ‘મધર ટેરેસાઃ ધ સંત’. ફિલ્મને લેખક સીમા ઉપાધ્યાયે લખી છે જેનું ડિરેક્શન પણ તે જ કરશે.
નિર્માતાઓએ મિશનરીઝ ઓફ ચેરિટીના વર્તમાન સુપીરિયર જનરલ સિસ્ટર પ્રેમા મૈરી પિયરીક સાથે અને કોલકાતામાં સિસ્ટર લીન સાથે આ પ્રોજેક્ટ માટે તેમના આશિર્વાદ લેવા માટે મુલાકાત કરી હતી. ‘મધર ટેરેસાઃ ધ સંત’ આ વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. ફિલ્મનું શૂટિંગ દુનિયાની તે દરેક જગ્યા પર થશે જ્યાં મધર ટેરેસાએ કામ કર્યું છે. તેમના જન્મસ્થળને લઈને કોલકાતા સુધી ફિલ્મને શૂટ કરાશે. જેને આવતા વર્ષે એટલે કે 2020માં રિલીઝ કરાશે.
મધર ટેરેસાના જીવન પર આ પહેલા પણ કેટલીય ડ્રોકયુમેન્ટ્રી અને ફિલ્મ બની ચૂકી છે. સીમા ઉપાધ્યાય આ બાયોપિકને હિંદી ભાષામાં બનાવશે. સીમાએ જણાવ્યું કે તે છેલ્લા ત્રણ વર્ષથી ફિલ્મની સ્ટોરી લખી રહી છે. આ ફિલ્મમાં તે મધર ટેરેસાના જીવન વિશેની વાતો દર્શાવશે. ફિલ્મ બનાવતી વખતે તે બાબતોનું પણ ધ્યાન રખાશે કે દર્શકોને કંટાળો ન આવે.