સલમાનના કારણે અગાઉ ડો.હાથીનો જીવ બચ્યો હતો, જો સલાહ માની લીધી હોત તો...
મશહૂર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડો.હાથીની ભૂમિકા ભજવનાર કવિકુમાર આઝાદના નિધન બાદ તેમના ચાહકોમાં હતાશા વ્યાપી ગઈ છે.
મુંબઈ: મશહૂર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડો.હાથીની ભૂમિકા ભજવનાર કવિકુમાર આઝાદના નિધન બાદ તેમના ચાહકોમાં હતાશા વ્યાપી ગઈ છે. ટીવી પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારા કવિકુમારનું 9 જુલાઈના રોજ નિધન થયું. ડો.હાથીના નામે મશહૂર એક્ટર કવિકુમારને પહેલેથી જ હેલ્થ ઈશ્યુ હતાં. તેમને વજન ઉતારવાની પણ સલાહ અપાઈ હતી. પરંતુ તેમણે ન ઉતાર્યું. 46ની ઉંમરમાં તેમનું કાર્ડિયાક એટેકથી નિધન થયું. હવે એક એવો રિપોર્ટ સામે આવી રહ્યો છે જે મુજબ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને 8 વર્ષ પહેલા કવિકુમારની સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો.
સ્પોર્ટબોયના એક રિપોર્ટ મુજબ 8 વર્ષ પહેલા ડો.હાથીએ પોતાની બેરિયાટિક સર્જરી કરાવી હતી. આ દરમિયાન ડો.હાથીની દવાઓ અને ઓપરેશનનો ખર્ચ સલમાન ખાને ઉઠાવ્યો હતો. કવિ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર એકવાર કોલપ્સ થઈ ગયા હતાં. તે સમયે તેમની હાલત એકદમ નાજુક હતી. સલમાન ખાન ત્યારે મદદ માટે આગળ આવ્યો હતો અને કવિનો જીવ બચ્યો હતો. આ સર્જરી ડો. મુફી લાકડવાલાએ કરી હતી. ડો.મુફી લાકડવાલા સલમાનના નજીકના વર્તુળમાં સામેલ છે.
અત્રે જણાવવાનું કે સલમાન ખાન પોતાની એનજીઓ બીઈંગ હ્યુમન દ્વારા અનેક દર્દીઓને આર્થિક મદદ કરે છે. ડો. મુફી લાકડવાલાએ જ તેમને તે વખતે વજન ઓછુ કરવાની સલાહ પણ આપી હતી પરંતુ કવિકુમારને લાગ્યું કે જો ઓછુ કરશે તો તેઓ બેરોજગાર બની જશે આથી તેમણે વધુ વજન ઓછુ કરવાની ના પાડી હતી.
ડો. હાથી જો તે સમયે લાકડવાલાની સલાહ માની લેત તો આજે કદાચ જીવતા હોત. ડો.મુફી લાકડવાલાના જણાવ્યાં મુજબ મેં તેમને બીજી સર્જરી કરાવવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ તેમનું વજન લગભગ 90 કિલો ઓછુ થઈ જાત. આ સર્જરી બાદ તેમને મોટાપામાંથી રાહત મળત અને તેમણે ત્યારબાદ પોતાનું વજન મેન્ટેઈન જ કરવું પડત. આ દરમિયાન તેમના પિતા અને ભાઈ પણ તેમની સાથે હતાં. મેં તેમને પણ સલાહ આપી હતી.
ડો. લાકડવાલાના જણાવ્યાં મુજબ તે સમયે કવિ આઝાદે કહ્યું હતું કે તેમને ફેટ જોઈએ, જેના કારણે તેઓ સ્ક્રિન પર જાડા દેખાઈ શકે. જો તેઓ પાતળા થઈ જશે તો કામ મળશે નહીં. આમ છતાં તેમને વજન ઓછું કરવાની સલાહ અપાઈ હતી. તેમને પેડ યૂઝ કરવાની પણ સલાહ અપાઈ હતી. પરંતુ તેમણે તે સમયે કહ્યું હતું કે હું ચહેરા પર પેડ કેવી રીતે લગાઉ. જો વજન ઓછુ કરીશ તો કામ મળતું બંધ થઈ જશે.