મોદી મારા પણ વડાપ્રધાન, જ્યારે પણ જરૂર પડશે ત્યારે સહયોગ માટે તૈયાર: કમલ હસન
કમલ હસન પોતાની ફિલ્મ વિશ્વરૂપમ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દેશપ્રેમ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે વિશ્વરૂપમ 2.
મુંબઈ: કમલ હસન પોતાની ફિલ્મ વિશ્વરૂપમ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દેશપ્રેમ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈ છે વિશ્વરૂપમ 2. સક્રિય રાજકારણમાં કમલ હસન લોકોનો એકતરફી પ્રેમ મેળવી ચૂક્યા છે. જ્યારે રાજકારણના બાકીના પહેલુઓને પણ સ્પર્શવાની કોશિશો ચાલુ છે. સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલા કમલ હસન મોદી સરકાર અને દેશહિતમાં દેશ સેવા માટે તત્પર રહેવાની વાતો કરે છે.
કમલ હસને ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં રાજકારણ અને આવનારા દિવસોમાં મોદી સરકાર સાથે એસોશિએશનના સવાલ પર જણાવ્યું કે વૈચારિક મતભેદ પોતાની જગ્યાએ છે પરંતુ દેશના વડાપ્રધાન મારા પણ વડાપ્રધાન છે અને દેશ સેવા માટે જ્યારે પણ દેશને તેમની જરૂર પડશે ત્યારે તેઓ સહયોગ કરવા માટે તત્પર છે. ક્રાંતિકારી વિચારધારા વાળા કમલ હસન કે જે હંમેશા નીડરતાથી પોતાનો મત રજુ કરે છે અને જેમની રાજકીય પાર્ટીને દક્ષિણ ભારતમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે. આવામાં પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની દરેક શક્ય કોશિશ કમલ હસન કરી રહ્યાં છે.
15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 10 ઓગસ્ટના રોજ દેશપ્રેમની ભાવનાથી ભરપૂર ફિલ્મ વિશ્વરૂપમ 2 રિલીઝ થવાની છે. આવામાં કમલ હસનનું કહેવું છે કે પોતાની ફિલ્મો દ્વારા ક્યાંકને ક્યાંક તેમની રાજકીય પાર્ટીને પણ તેનો ફાયદો થશે. સ્વતંત્રતા દિવસ પર કમલ હસનને આશા છે કે લોકો વિશ્વરૂપમને જોઈને દેશપ્રેમ અને સત્યને માનશે કારણ કે આતંકવાદના મૂળિયા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે અને તેના વિરુદ્ધ જારી જંગથી કોઈ બાકાત નથી.
કમલ હસનનું એ પણ માનવું છે કે બિગ બોસને હોસ્ટ કરીને પણ તેમની પાર્ટીને ખુબ ફાયદો થશે. ફિલ્મ વિશ્વરૂપમ 2માં કમલ હસન પ્રોડ્યુસર, ડાઈરેક્ટર, એક્ટર, ડાન્સર જેવી અનેક ભૂમિકામાં જોવા મળશે. તેઓ ફિલ્મની સફળતાની અપેક્ષા રાખી રહ્યાં છે. જો કે કમલ હસનનું માનવું છે કે આ ફિલ્મ વિશ્વરૂપમના પહેલા ભાગ કરતા ખુબ અલગ છે. વિશ્વરૂપમ2 10 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.