પ્રકાશ રાજે PM મોદીને માર્યો ટોણો, કહ્યું-`56 ઈંચ ભૂલી જાઓ, 55 કલાક પણ ન સંભાળી શક્યા કર્ણાટક`
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે ફરી એકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે ફરી એકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જો કે ચૂંટણી અગાઉથી તેઓ ભાજપ પર નિશાન સાધતા રહ્યાં છે. તેમણે તો એમ પણ અપીલ કરી હતી કે લોકો ભાજપને મત ન આપે. પરંતુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો. પરંતુ બહુમત ન મળતા સરકાર બનાવી શક્યો નહીં. અને કર્ણાટકમાં હવે જેડીએસ અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. શનિવારે પ્રકાશ રાજે ટ્વિટ કરી કે કર્ણાટક ભગવો થવાનો નથી. તે રંગીન રહેશે. ખેલ શરૂ થતા પહેલા જ પૂરો થઈ ગયો. હવે 56 ઈંચ ભૂલી જાઓ. 55 કલાક પણ કર્ણાટક સંભાળી શક્યા નહીં. બધા લોકો હવે ગંદા રાજકારણ માટે તૈયાર થઈ જાઓ.
પ્રકાશરાજના આ આકરા કટાક્ષ બાદ ભાજપની પ્રતિક્રિયા તો સામે આવી નથી પરંતુ ટ્વિટર પર લોકો રાતાપીળા થઈ ગયાં. લોકોએ પ્રકાશરાજને જબરદસ્ત ટ્રોલ કરવા માંડયો. કોઈ સમગ્ર ભારતનો નકશો પોસ્ટ કરીને તો કોઈએ જોકર કહીને તેને સંબોધ્યો.
કેટલાક લોકોએ તેમને જૂના નિવેદનો પણ યાદ કરાવ્યાં. જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ અહીં 56 બેઠકો પણ મેળવી શકશે નહીં.
અત્રે જણાવવાનું કે 15મી મેના રોજ પરિણામો આવ્યાં બાદ ભાજપ રાજ્યમાં 104 બેઠકો જીતીને સૌથી વધુ સીટો મેળવનાર પક્ષ બન્યો હતો. પરંતુ બહુમતના આકડા સુધી ન પહોંચી શકવાના કારણે સરકાર બનાવવામાં નિષ્ફળ ગયો. કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠકો મળી. વિધાનસભામાં બહુમત પરીક્ષણ પહેલા જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધુ. ત્યારબાદ કોંગ્રેસ અને જેડીએસનો સરકાર બનાવવાનો રસ્તો સરળ બની ગયો.