ગુજરાત સહિત 4 રાજ્યોએ લગાવ્યો પ્રતિબંધ, `પદ્માવત`ના નિર્માતા પહોંચ્યા સુપ્રીમની શરણમાં
ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મંગળવારે હવે હરિયાણા દ્વારા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ લગાવાયા બાદ ફિલ્મના પ્રોડ્યુસરોએ સુપ્રીમ કોર્ટને ગુહાર લગાવી છે.
નવી દિલ્હી: ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મંગળવારે હવે હરિયાણા દ્વારા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ લગાવાયા બાદ ફિલ્મના પ્રોડ્યુસરોએ સુપ્રીમ કોર્ટને ગુહાર લગાવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયા બાદ 'પદ્માવત'ના નિર્માતાઓ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટની શરણે ગયા છે. અત્રે જણાવવાનું કે સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવ્યાં બાદ હાલમાં જ ફિલ્મની રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી ફિલ્મની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. 'પદ્માવત' આઈમેક્સ થ્રીડીમાં રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ હશે.
કરણી સેનાની માંગ, ફિલ્મ પર લાગે રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ
બીજી બાજુ આ ફિલ્મને લઈને રાજસ્થાનમાં કરણી સેનાનો વિરોધ હજુ પણ જારી છે. મંગળવારે પણ રાજસ્થાનના ધોલપુરમાં કરણી સેનાના કાર્યકરોએ આ ફિલ્મને સમગ્ર દેશમાં બેન કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું. કલ્વીએ પોતાના નિવેદનમાં કહ્યું કે હું વારંવાર દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓને ભલામણ કરું છું કે અમારી ભાવનાઓને સમજવામાં આવે.
ચાર મોટા રાજ્યોએ લગાવ્યો પ્રતિબંધ
શરૂઆતથી વિવાદમાં ઘેરાયેલી ભણસાલીની આ ફિલ્મ પદ્માવત સેન્સર બોર્ડમાંથી પાસ થવા છતાં ખુબ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. મંગળવારે હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે પોતાના નિવેદનમાં કહ્યું કે મીટિંગમાં મેં કહ્યું કે કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આપણે આ ફિલ્મને રાજ્યમાં બેન કરવી જોઈએ. મંત્રીમંડળે મારું સમર્થન કર્યું અને અમે આ ફિલ્મને હરિયાણામાં બેન કરવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે હરિયાણા અગાઉ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો પણ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. આ બાજુ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ પોતાના રાજ્યમાં આ ફિલ્મને રિલીઝ ન થવા દેવાના સંકેત આપી ચૂક્યા છે.