કાળિયાર હરણ શિકાર મામલામાં ફરી વધી શકે છે સેફ, સોનાલી, નીલમ અને તબુની મુશ્કેલી
રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયાર હરણ શિકાર મામલાને લઈને સેફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારી વિરુદ્ધ અપીલ કરવાની તૈયારીમાં છે.
જોધપુરઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં ફસાયેલો છે અને સતત મામલાની સુનાવણી જોધપુર કોર્ટમાં ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં આ મામલે સુનાવણી દરમિયાન તેના સાતી સેફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારીને જોધપુરની નિચલી કોર્ટ દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી અને સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
પરંતુ હવે લાગે છે કે કાળિયાર શિકાર મામલામાં ક્લિન ચીટ મેળવનારા આ કલાકાર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના એક ટ્વીટ પ્રમાણે પ્રદેશ સરકાર રાજસ્થાન હાઈકોર્ટમાં કાળિયાર શિકાર મામલાને લઈને સેફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબુ અને નીલમ કોઠારી વિરુદ્ધ અપીલ કરવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં થયેલી જોધપુરની નિચલી કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેણે બે રાત જેલમાં પસાર કરી હતી ત્યારબાદ આ મામલે તેને જામીન મળ્યા હતા. તેની સાથે કોર્ટે દેશ બહાર જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને કોર્ટની મંજૂરી વગર તેને દેશ બહાર જવાની પરવાનગી ન હતી.
તો આ મામલે આરોપી રહેલા સોનાલી બેંદ્રે, નીલમ કોઠારી, તબુ અને સેફ અલી ખાનને કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા પરંતુ હવે લાગે છે કે બોલીવુડ સિતારાઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.