મુંબઈ: હાર્ટ અટેક આવ્યાં બાદ લાંબા સમયતી રાજૂ શ્રીવાસ્તવની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી હતી. આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. આ સમાચારથી બોલીવુડ સહિત તેમના કરોડો ચાહકોને શોકની લાગણી અનુભવી રહ્યાં છે. તેમના જીવન વિશે એવી ઘણી બાબતો છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજુ શ્રીવાસ્તવ. એક એવું નામ જે કોઈપણ પરિચયના મોહતાજ નથી. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  રાજુ શ્રીવાસ્તવનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં 25 ડિસેમ્બર 1963માં થયો હતો. બાળપણમાં તેમને સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ નામ આપવામાં આવ્યું હતું. રાજુના પિતા જાણીતા કવિ હતા, જેમને બલાઈ કાકાના નામથી ઓળખવામાં આવતા હતા. રાજુ પણ પોતાના પિતાની જેમ મોટા થઈને ફેમસ  થવા માગતા હતા અને કંઈક મોટું કરવા માગતા હતા. રાજુને બાળપણથી મિમિક્રી અને કોમેડીનો બહુ શોખ હતો. તે કોમેડીમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગતા હતા.


બાળપણથી હતો મિમિક્રીનો શોખ:
રાજુને મિમિક્રીનો એવો શોખ હતો કે તે જ્યાં તક મળે ત્યાં મિમિક્રી કરવાનું શરૂ કરી દેતા હતા. રાજુને લોકો પોતાના કોઈ ફંક્શન કે જન્મદિવસની પાર્ટીમાં કોમેડિયન તરીકે બોલાવતા હતા. ધીમે-ધીમે રાજુને કેટલાંક નાના સ્ટેજ પર રોલ ઓફર થવા લાગ્યા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાજુએ જણાવ્યું હતું કે એક કાર્યક્રમમાં તેમણે પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે એક વ્યક્તિએ તેને 50 રૂપિયા આપ્યા હતા. રાજુને લાગ્યું કે આ તેની ફી છે. પરંતુ તે વ્યક્તિએ રાજુને કહ્યું કે તું એક સારો કોમેડિયન બની શકે છે. આ ઈનામ છે. તે ક્ષણે રાજુને અહેસાસ થયો કે હવે તે અહીંયા સુધી સીમિત રહેવા માગતો નથી.


મુંબઈ આવીને રિક્ષા ચલાવવી પડી:
રાજુ પોતાના હુનરને મોટા પરદા પર બતાવવા માગતા હતા. આથી તે મુંબઈ આવી ગયા. પરંતુ અહીંયા આવ્યા પછી તેમને ઘણા સમય સુધી કોઈ રોલ ઓફર થયો જ નહીં. આથી કેટલાંક સ્ટેજ શો સિવાય તે જીવન પસાર કરવા માટે ઓટો ચલાવવા લાગ્યા, પરંતુ હિંમત હાર્યા નહીં. આગળ ચાલીને તેમને કેટલીક ફિલ્મોમાં નાના રોલ પણ ઓફર થયા. જેમાં તેજાબ, બાજીગર, મૈને પ્યાર કિયા, વગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે. પરંતુ આ ફિલ્મો દ્વારા રાજુને કોઈ મોટી ઓળખ મળી ન હતી.


એક શોથી જિંદગી બદલાઈ ગઈ:
મુંબઈ આવ્યા પછી તે નાના-મોટા શો કરતા હતા. આ દરમિયાન ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્ઝ કાર્યક્રમ શરૂ થયો. જેમાં રાજુ શ્રીવાસ્તવ પણ સામેલ થયા. શોમાં તેમની કોમેડીને બહુ પસંદ કરવામાં આવી અને અહીંયાથી આગળ વધીને તે જીવનમાં આગળ વધ્યા. આ શોમાં ગજોધરના પાત્ર દ્વારા તે લોકોના ઘર-ઘર સુધી પહોંચી ગયા. આ શોમાં રાજુ શ્રીવાસ્તવ સેકંડ રનરઅપ રહ્યા હતા.


લક્ઝરી ગાડીઓના શોખીન:
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજુ શ્રીવાસ્તવની કુલ નેટ વર્થ 15થી 20 કરોડ રૂપિયાની વચ્ચે છે. તે સ્ટેજ શો, જાહેરખબર અને એક્ટિંગમાંથી ઘણા રૂપિયાની કમાણી કરી. પરંતુ પૈસાની સાથે સાથે તેમણે પોતાનું નામ પણ મોટું કર્યુ. તેમની પાસે ઓડી ક્યુ-7, બીએમડબલ્યુ 3 જેવી લક્ઝરી ગાડી પણ ખરીદી. રાજુ શ્રીવાસ્તવે પોતાની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. પરંતુ તેમણે પાછળ વળીને જોયું નહીં અને સફળતાના શિખર સુધી પહોંચ્યા.


અમિતાભ બચ્ચનની મિમિક્રી કરીને ઓળખાણ મેળવી:
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રાજુ શ્રીવાસ્તવ પોતાના રોલ મોડેલ માનતા હતાં. શરૂઆતના સમયમાં મોટેભાગે અમિતાભની મિમિક્રી કરીને જ તેઓ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.