નવી દિલ્હી : દિગ્ગજ અભિનેતા ફિલ્મ નિર્માતા રાકેશ રોશનનું કહેવું છે કે એમનું ગળાનું કેન્સરનું ઓપરેશન સફળ રહ્યું છે અને હાલમાં તેઓ સ્વસ્થ છે. આગામી એક બે દિવસમાં તેઓ ઘરે પરત ફરશે. મંગળવારે અહીંની હોસ્પિટલમાં એમનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ બુધવારે તેમણે પ્રતિક્રિયા આપતાં એક સંદેશમાં કહ્યું કે, હું એકદમ સ્વસ્થ અનુભવી રહ્યો છું. આભાર. ઓપરેશન થઇ ગયું છે અને બધુ બરોબર છે. ભગવાન મહાન છે. હું શુક્રવારે કે શનિવારે ઘરે પરત ફરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિશના નિર્માતાના અંગત સુત્રોના અનુસાર, કેન્સરની જાણ થયા બાદ પણ રાકેશજી ડર્યા ન હતા અને એકદમ ધીરજતા સાથે રહ્યા હતા. ઓપરેશન દરમિયાન એમના પત્ની, ભાઇ સંગીજકાર રાજેશ રોશન, પુત્ર ઋત્વિક રોશન અને પુત્રી સુનૈના તેમજ એમના અંગત પરીજનો હાજર રહ્યા હતા. 



રાકેશ રોશને આ અગાઉ કહ્યું હતું કે, હું હંમેશાથી એક ફાઇટર રહ્યો છું અને કર્મમાં વિશ્વાસ રાખું છું. હું હંમેશા જીવનમાં સાચા કાર્યો જ કરવાનો પ્રયત્ન કરૂ છું. મારૂ એવું માનવું છે કે, આપને જીંદગીમાં જે કંઇ પણ મળે છે એમાં તમારૂ કર્મ દેખાય છે. અહીં મુશ્કેલીઓ આવશે, પરંતુ ભગવાન મને અને મારા પરિવારને જોઇ રહ્યો છે. ઋત્વિકે મંગળવારે સોશિયલ મીડિયા પર જેવી આ વાત જાહેર કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત શુભચિંતકોએ એમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.