મુફદ્દલ કપાસી/અમદાવાદઃ લેખક ફિલીપ મિડોઝ ટેલરની 1839માં લખાયેલી નોવેલ 'કન્ફેશન ઓફ અ ઠગ' પરથી બનેલી 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' પહેલાં જ દ્રશ્યથી એક આમ દર્શકને ઠગવાનું શરૂ કરી દે છે. ટ્રેઇલરે જો કે પહેલેથી જ ભાવિ ભાખી દીધું હતું કે આ હિસ્ટોરીકલ સાગા ખરેખર તો સાઉથની કોઇ બી ગ્રેડ પીરિયડ મૂવી જેવો લૂક અને ટચ ધરાવતી હશે. પણ જેટલાં મોટા સિતારા, જેટલી મોટી તેમની રેપ્યુટેશન તે જોતા એક સિનેચાહક જરૂરથી થોડીઘણી આશા ધરાવતો હશે. પણ ઇતિહાસના પન્નામાં વિસરાઇ ગયેલાં ઠગની ફિતરતની જેમ (આ મૂવી પણ એમ જ વિસરાઇ જવાની!) અહીં બધી જ આશા ઠગારી નિવડે છે ! બીજા બધાનું તો ઠીક પણ ભાઇ મિસ્ટર પરેફ્ક્શનિસ્ટ તમારે તમારા ભારે મહેનતથી કમાયેલા બિરૂદની તો ચિંતા કરવી હતી ! ઉંમરના તકાજાથી (સહ સન્માન) જેમને આરામથી ચાલવું, ઉઠવું બેસવું પણ તકલીફદાયી બની રહેતું હશે એવા બીગ-બીને તમે દોરડે લટકાવીને આમથી તેમ કૂદકા મરાવો છો યાર ! થોડી તો મર્યાદા રાખવી હતી !
           
13 વર્ષ પહેલાં 2005માં આમિર ખાને 1857ના વિપ્લવનું બીજ રોપતી કહાની 'મંગલ પાંડે ધ રાઇઝિંગ'માં જોરદાર પછડાટ ખાધી હતી. મૂવી બોક્સ ઓફિસ પર કોઇ કમાલ દર્શાવી શકી ન હતી. ભારતીય બજારમાં તો મૂવીએ રોકાણના નાણાં પણ નહોતા કાઢ્યાં. જો કે એ પછી આમિરે ઘણું જ સંભાળીને મૂવી સિલેક્ટ કરવાનું શરૂ કર્યું. અને છેક છેલ્લે સિક્રેટ સુપરસ્ટાર સુધી તેણે પોતાના સ્ટારડમના વાવટા એવા ફરકાવી દીધાં કે આજે તે બોલિવૂડ અને બોક્સ ઓફિસનો કિંગ કહેવાય છે. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની જાહેરાત થઇ ત્યારથી જઆમિર ખાન અને બીગ બી જેવા બે મોટા સિતારા એકસાથે પરદા પર ચમકવાના હોવાનો રોમાંચ સહુ કોઇને હતો. પણ અફસોસનું પહેલું તીર આવ્યું જ્યારે મૂવીનું ટ્રેઇલર રિલીઝ થયું. પહેલાં જ દ્રશ્ય સાથે એ નિશ્ચિત થઇ ગયું કે જેવું ટ્રેઇલર લાગ્યું હતું, મૂવી પણ કંઇક એ જ તરફ આગળ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ડિરેક્ટરની (વિચિત્ર)નજર સુપરસ્ટારને પણ કંઇપણ કરવા મજબૂર કરી શકે છે. ધૂમ-3માં આ જ વિજય ક્રિષ્ના આચાર્યએ આમિરખાનને દોરડા પર બાઇક દોડાવવા મજૂબર કર્યો હતો. હવે આ જ વિજય ક્રિષ્નાએ અહી અમિતાભને એક જહાજમાંથી બીજા જહાજમાં ગોરિલ્લાની જેમ કૂદકા મરાવ્યાં છે !  વિજયભાઇ લોજીકને તમે બાજુએ મુકીને ઇન્દ્ર કુમાર કે રોહિત શેટ્ટી ટાઇપ કોમિક મૂવી બનાવો તો હજુ સમજ્યાં પણ એક પીરિયડ મૂવી જેનો સબજેક્ટ પણ આઝાદી હોય એમાં આવા લબાડછાપ ધાંધિયા તો કેવી રીતે ચાલે યાર ! અને લોજીકને તમે ઘરે મુકીને આવો, ઠીક છે તમારી પાસેથી બીજી આશા પણ શું રાખીએ પણ તોય 2018નું ઇલ્લોજીકલ કંઇક હોવું જોઇએને તમારું ઇલ્લોજીકલ'ય પાછું 1960 કે 70નું લાગે છે ! એક સુપર્બ, દમદાર મૂવી બની શકે તેવો પ્લોટ હોવા છતાં બોગસ સ્ક્રીન પ્લે અને એનુંય માથું ભાંગે એવું લચર કે પછી કહો કે વાહિયાત કક્ષાનું ડિરેક્શન આ મૂવીનો સત્યાનાશ કરી નાખે છે. અરે વિજયભાઇ સાઉથનો કોઇ બી ગ્રેડનો ડિરેક્ટર તમને સ્યૂ ના કરી નાખે. એની ડિરેક્શન સ્ટાઇલ
કોપી કરવા માટે જ સ્તો વળી !


ત્રણ-ત્રણ મેગાસ્ટાર હોવા છતાં જો પ્રોપર સ્ક્રીનપ્લે અને ઢંગધડા વગરનું ડિરેક્શન હોય તો શું થાય તેનો આ ઉત્તમ નમૂનો છે. છતાં આ મૂવીની સ્ટારકાસ્ટની મહેનતની વાત કરી લઇએ. સૌથી અવ્વલ છે ઝીશાન મહોમ્મદ અય્યુબ. આ ગટ્સી અભિનેતાએ બે વર્ષના ગાળામાં ત્રણેય ખાનના દોસ્ત કે વિરોધી તરીકે અદ્દભૂત કામ કર્યું છે. પહેલાં રઇસમાં કિંગખાનના દોસ્ત સાદીક તરીકે બાદમાં ટ્યૂબલાઇટમાં સલમાનના દોસ્ત કમ દુશ્મન નારાયણ તરીકે અને હવે અહીં આમિરના દોસ્ત શનિચર તરીકે. બીગ બીને તેમની ઉંમર છતાં સ્ટંટ દ્રશ્યો ભજવતા જોવા. એ માટે એમને સલામ. આમિર ખાને ઘણી મહેનત કરી છે પણ એ પરદે કોઇ ખાસ રંગ લાવી શકી નથી. આમિર અહીં કંઇક અલગ જ જમાવટ કરશે એવું માનવું ખોટું સાબિત થયું છે. ફાતિમા સના શેખે સ્ટંટ માટે કરેલી મહેનત દરમિયાન એક્ટિંગ ભૂલી ગઇ હોય એવું લાગે છે. કેટરિના કૈફને ગીત ગાવા સિવાય ખાસ કશું આવ્યું નથી. ઇંગ્લિશમેનની ભૂમિકામાં બન્ને અભિનેતા ઠીકઠાક છે. પણ આ વિજયભાઇની બલિહારીથી બન્ને સ્ક્રીન પર એકલાં હોય ત્યારે પણ બાવાહિન્દી શેના બોલ્યા કરે છે એ સમજાતું નથી!



              
ટૂંકમાં યશરાજ ફિલ્મસની કરોડોના ધૂમાડા પછી (સાચુ કહું તો મે આ મૂવીનું બજેટ જેટલું સાંભળ્યું છે એના કરતાં ત્રીજા ભાગનો ખર્ચો પણ આ મૂવીમાં થયો હોય એવું લાગતું નથી !) પણ અહી કોઇ ઉપજ દેખાતી નથી. આમિર વિશે જે કહેવાય છે એ સાચુ હોય તો 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' મૂવી જ તેને ઠગી લેશે (આમિર માટે કહેવાય છે કે તે હવે ફી નહી પણ નફામાં ભાગ લે છે!) ખાન ત્રિપુટી માટે કપરો કાળ ચાલી રહ્યો છે તેમ કહીએ તો પણ ચાલશે. 


બોક્સ ઓફિસના આ બેતાજ બાદશાહોની છેલ્લી કેટલીક મૂવીએ કંગાળ કરી દીધા છે. એ શાહરૂખની હેરી મેટ સેજલ હોય, સલમાનની ટ્યૂબલાઇટ અને રેસ-3 હોય કે પછી એ લિસ્ટમાં તાજા જોડાયેલાં આમિરની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન હોય ! ટૂંકમાં આટલું લાંબુ લચ્ચક લખ્યા પછી એ કહેવાની જરૂર નથી કે વાર્તામાં આમિર જેમ ગમે તેને ઠગવા આતુર હોય છે એમ આ મૂવીની હાઇપ કે આભાથી તમે પણ ઠગાઇ ન જતાં. બહુ જરૂર લાગે તો અંધાધૂન કે બધાઇ હો રિપીટ કરી શકાય !