Saaho Movie Review: પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની ધુંઆધાર એક્શન, દર્શકો આફરીન
સાહો શુક્રવારે દેશના વિવિધ શહેરોના સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. યૂએઇમાં આ ફિલ્મ એક દિવસ અગાઉ એટલે કે ગુરૂવારે રિલીઝ થઇ હતી. પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની ધુંઆધાર એક્શન દર્શકોને આકર્ષી રહી છે.
નવી દિલ્હી : બાહુબલી બાદ દેશમાં સુપરસ્ટાર બની ગયેલ પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની બહુચર્ચિત ફિલ્મ સાહો આજે એટલે કે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. 350 કરોડના મોટા બજેટથી બનેલી આ ફિલ્મને લઇને બધાને સારી આશા છે. એમાંય પ્રભાસના ફેન્સ તો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે જે ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. એક દિવસ અગાઉથી જ શો બુક થઇ ગયા હતા અને દક્ષિણના રાજ્યોમાં તો ઘણા સિનેમા ઘરોમાં મોડી રાતથી જ એક વાગ્યાથી ફિલ્મના શો ગોઠવાયા હતા. એવામાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઇને ઘણા રિવ્યૂ સામે આવી રહ્યા છે.
જે લોકોએ આ ફિલ્મ જોઇ છે એ લોકો ટ્વિટર પર આ ફિલ્મને એકશન ફિલ્મ ગણાવી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે. જેને સુજીતે નિર્દેશિત કરી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર સહિત ચહેરા ચમકી રહ્યા છે.
તમે પણ જાણો આ ફિલ્મના રિવ્યૂ કેવા છે?
અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના અહેવાલ અનુસાર ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહર, સુમિત કડેલ અને અતુલ મોહનનું માનીએ તો પ્રભાસની ફિલ્મ સાહો, અત્યાર સુધીની મોટી ફિલ્મો જેવી કે ઢગ્સ ઓફ હિન્દોસ્તાન, એવેન્જર્સ એન્ડગેમ અને કબીર સિંહને પછાડવા માટે તૈયાર છે. જેમાં તમિલ અને તેલુગુ કલેકશન પણ સામેલ છે.
પ્રભાસ અને શ્રધ્ધા કપૂર સ્ટારર સાહો 350 કરોડના ખર્ચે બની છે. ફિલ્મને અંદાજે 4500 સ્ક્રિન્સ પર રોલ આઉટ કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ બાદ તારીખમાં ફેરફાર કરાયો હતો.