સલમાનની ફિલ્મ `ભારત`ને લાગી શકે છે ઝટકો, ICC વિશ્વકપ બનશે મુશ્કેલી
ફિલ્મની રિલીઝના દિવસે જ ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાની સાથે રમશે. વર્લ્ડ કપના ક્રેઝમાં દબંગ ખાનની ઈદ રિલીઝને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નુકસાન ઉઠાવવું પડી શકે છે.
નવી દિલ્હીઃ સલમાન ખાનની મોસ્ટઅવેટેડ ફિલ્મ 'ભારત' 5 જૂને રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન 30 મેથી ઈંગ્લેન્ડમાં આઈસીસી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ફિલ્મની રિલીઝના દિવસે જ ટીમ ઈન્ડિયા પોતાનો પ્રથમ મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. વિશ્વ કપના ક્રેઝમાં દબંગ ખાનની ઈદ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નુકસાન ઉઠાવવું પડી શકે છે. મહત્વનું છે કે સલમાનની આ ફિલ્મનું ટ્રેલર અને ગીત સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.
સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'ની હિન્દી રિમેક છે. ફિલ્મ 'ઓડ ટૂ માઇ ફાધર'માં 1950થી લઈને 2014 સુધીના સમયના એક સામાન્ય નાગરિકના પરિદ્રષ્યને મોટી પડદા પર રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મ ભારતમાં પણ કંઇ આવું દેખાડવામાં આવશે. જેમાં સલમાન ખાનની ભૂમિકાના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. દિશા પટની સિવાય કેટરીના કેફ પણ મુખ્ય ભૂમિકામાં છે.
ટ્રેલર જોઈ શાહરુખે કરી હતી પ્રશંસા
બોલીવુડના કિંગ ખાને ફિલ્મ ભારતના ટ્રેલરને લઈને દબંગ ખાનની ખુબ પ્રશંસા કરી હતી. શાહરૂખે ફિલ્મના ટ્રેલરને શાનદાર ગણાવતા લખ્યું હતું કે શું વાત છે ભાઈ બહોત ખુબ. સલમાન ફિલ્મમાં કેટરીના અને દિશા પટની બંન્નેની સાથે રોમાન્સ કરતો જોવા મળશે. તો ફિલ્મમાં દર્શકોને શાનદાર ડાયલોગ અને એક્શન પણ જોવા મળશે. મહત્વનું છે કે ફિલ્મમાં સલમાન યુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવશે.