સંજય દત્તને જ્યારે પુછાયો માધુરી વિશે સવાલ તો થઈ ગયો ગુસ્સામાં લાલપીળો અને પછી...જુઓ Video
સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથે કામ કરવાના છે એવી ચર્ચા છે
મુંબઈ : હાલમાં સમાચાર આવ્યા હતા કે સંજય દત્ત અને માધુરી દીક્ષિત 21 વર્ષના અંતરાલ પછી ફિલ્મી પડદે સાથે જોવા મળશે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. મળી માહિતી પ્રમાણે તેઓ ડિરેક્ટર અભિષેક વર્મનની ધર્મા પ્રોડક્શનની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજય દત્તનું વર્તન જોઈને લાગતું હતું કે હાલમાં તે માધુરી દીક્ષિત કે પછી આ ફિલ્મ વિશે વાત કરવાના કોઈ મૂડમાં નથી.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં સંજયને જ્યારે પત્રકાર 21 વર્ષ પછી માધુરી સાથે ફરી કામ કરવા વિશે સવાલ કરે છે ત્યારે સંજય ગુસ્સામાં લાલપીળો થઈને એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતી પકડે છે. સંજય ઇન્કમટેક્સ ઓફિસર્સ માટે યોજાયેલી ક્રિકેટ મેચમાં હાજરી આપી હતી અને ત્યારે આ ઘટના બની હતી.
સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરી ૯૦ના દાયકામાં બોલિવૂડમાં ખાસ્સી ચર્ચામાં હતી. રીલ લાઈફમાં હીટ નિવડેલી આ જોડી રિયલ લાઈફમાં સફળ થઈ નહીં તે અલગ વાત છે. પણ તાજેતરમાં યાસિર અહેમદે સંજય દત્ત વિશે લખેલા પુસ્તકમાં તેમની લવસ્ટોરીનો ઉલ્લેખ કરાયો છે. યાસિરે તેના પુસ્તક ‘સંજય દત્ત : ધ ક્રેઝી અનટોલ્ડ લવસ્ટોરી ઓફ બોલિવૂડ બેડ બોય’માં સંજય-માધુરીના અફેરનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં લખ્યું છે કે સંજયની પત્ની રિચા સુધી પણ આ અફેરની વાત પહોંચી હતી. રિચા ન્યૂયોર્કમાં હતી ત્યારે તેને આ વાત મળી હતી. રિચા ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી હતી. રિચાના પરિવારજનોએ કહ્યું કે રિચાને એમ હતું કે તે સાજી થઈ જશે પછી પતિ સંજુ અને પુત્રી સાથે સારી રીતે જીવન વિતાવશે. પણ તેનું આ સપનું ચકનાચૂર થઈ ગયું. તેના આઘાત વચ્ચે સંજય દત્તે 1993માં તેને છુટાછેડા આપવા માટે અરજી કરી નાખી હતી. આ દરમિયાન રિચાની કેન્સરની બીમારીએ ફરી ઉથલો માર્યો અને તેનું મોત થયું. બીજી તરફ સંજયને તેના ગુના માટે જેલમાં જવું પડ્યું. માધુરીએ પણ સંજય જેલમાં જતા તેનાથી અંતર વધારી દીધું અને એ રીતે આ લવ-સ્ટોરીનો અંત આવી ગયો હતો.