નવી દિલ્લીઃ હિન્દી સિનેમા જગતના દિગ્ગજ કહેવાતા અભિનેતાઓમાંથી એક એટલે સંજીવ કુમાર. એક એવા અભિનેતા જેણે હીરો, સાઈડ હીરોની સાથે વિલનની ભૂમિકા પણ દમદાર રીતે નિભાવી. સંજીવ કુમારનો જન્મ સુરના જરીવાલા પરિવારમાં 9 જુલાઈ, 1930ના દિવસે થયો હતો. સંજીવ કુમારનું સાચું નામ હરિહર જરીવાલા હતું. સંજીવ કુમારને બાળપણથી એક્ટિંગમાં રસ હતો અને તેમણે થિયેટર કરવાની શરૂઆત કરી દીધી. તેમની પહેલી ફિલ્મ હમ હિન્દુસ્તાની 1960માં રિલીઝ થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેમા માલિની સાથે લગ્નની હતી વાત:
પોતાના અભિનયની સાથે સંજીવ કુમાર લવ અફેર્સના કારણે પણ હંમેશા ચર્ચામાં રહ્યા. સંજીવ કુમારને હેમા માલિની ખૂબ જ પસંદ હતા. આ સંબંધ લગ્નની વેદી સુધી પહોંચવાનો જ હતો. સીતા ઔર ગીતા ફિલ્મના શૂટ દરમિયાન સંજીવ કુમાર અને હેમા માલિની નજીક આવ્યા હતા. સંજીવ કુમાર હેમા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. ચર્ચા તો એવી પણ છે કે, તેઓ પોતાની માતા સાથે મિઠાઈઓ લઈને હેમા માલિનીનો હાથ માંગવા તેમના ઘરે ગયા હતા. જો કે, તેમણે શરત રાખી હતી કે, લગ્ન બાદ હેમા માલિની ફિલ્મોમાં કામ નહીં કરે. બસ આ જ શરતના કારણે સંજીવ કુમાર અને હેમા માલિની ક્યારેય એક ન થઈ શક્યા..


આજીવન ન કર્યા લગ્ન:
હેમા માલિની સાથે લગ્ન ન થયા બાદ સંજીવ કુમારે આજીવન લગ્ન ન કર્યા. કહેવામાં તો એવું પણ આવે છે કે, સુલક્ષણા પંડિત સંજીવ કુમારને ખૂબ જ પ્રેમ કરતી હતી. પરંતુ તેના પ્રેમનો સંજીવ કુમારે સ્વીકાર ન કર્યો અને આજીવન કુંવારા જ રહ્યા. સુલક્ષણા પંડિતે પણ ક્યારેય લગ્ન ન કર્યા. બીજી તરફ હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા અને પોતાના એક્ટિંગ કરિયરને પણ ચાલુ જ રાખ્યું.


સુરતમાં બન્યું છે ખાસ ઓડિટોરિયમ:
સંજીવ કુમારના જન્મ સ્થાન સુરતે તેમની યાદગીરીને સાચવીને રાખી છે.સુરતમાં સંજીવ કુમાર ઑડિટોરિયમ છે. જેનું ઉદ્ધાટન પીએમ મોદીએ 2014માં કર્યું હતું. પોતાના ઉમદા અભિનય બદલ સંજીવ કુમારને 2 નેશનલ અને 3 ફિલ્મફેર અવોર્ડ્સ મળ્યા હતા.


47 વર્ષની ઉંમરમાં થયું નિધન:
ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક સંજીવ કુમારે માત્ર 47 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. જો કે આજે પણ તેઓ પોતાના અભિનયના માધ્યમથી લોકોના દિલમાં વસે છે.