મુફદ્દલ કપાસી/અમદાવાદ : વર્ષ 2012માં આવેલી ગેંગ્સ ઓફ વસેપૂર યાદ હશે. બોલિવૂડની કદાચ એ પહેલી આધુનિક મૂવી હતી જેની લંબાઇ 6 કલાક થતી હતી. જેને બાદમાં ભારતીય બજાર અનુસાર બે ટૂકડામાં વહેંચીને મે 2012 અને ઓગષ્ટ 2012માં રજૂ કરાઇ હતી. એ મૂવીમાં અનુરાગ કશ્યપને અન્ય બે પ્રતિભાશાળી ચહેરાએ અસિસ્ટ કરેલાં. એક તો નીરજ ઘાયવાન અને બીજા વિકી કૌશલ. આ પૈકીના નીરજ ઘાયવાને 2015માં બોલિવૂડની વન ઓફ ધ ક્લાસિક મૂવી મસાન બનાવી એ સમયે તેને પોતાનો વસેપૂરવાળો સાથી ડિરેક્ટર વિકી યાદ આવ્યો. પણ વિકી મસાનવાળો રોલ કરી શકશે કે કેમ તેવી શંકા ઘાયવાનને થઇ. ઘાયવાને વિકીનું ઓડીશન લીધું અને પછી તેને લઇને જ મસાન બનાવી. વિકીને એ ફિલ્મ માટે બેસ્ટ મેલ ડેબ્યૂનો એવોર્ડ પણ મળ્યો. વર્ષ 2018ની સૌથી વધુ ચર્ચાસ્પદ અને રાહ જોવાયેલી મૂવી સંજુ માટે પરકાયા પ્રવેશ કરી જનારા રણબીરની વાત કરવાને બદલે પેલો આખો પેરા ઢસડી માર્યો એ વિકી કૌશલે કેવી અદાકારી કરી હશે એ તમે કલ્પી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેક ટૂ સંજુ, હા તો પહેલીવાર એવું બન્યું કે કોઇ અભિનેતાની મહેનતની પ્રશંસા મૂવીની રિલીઝ પહેલાં જ ખાસ્સી એવી થઇ. ટીઝર અને ટ્રેઇલર જોઇને સહુ કોઇ રણબીર પર ઓવારી ગયા. સ્વાભાવિક છે એક જીવતા જાગતા માણસનો અભિનય તેની હયાતીમાં કરવો એ કંઇ ખાવાના ખેલ નથી. પણ ખાનદાની અભિનયના જીન્સ ધરાવતા રણબીરની મહેનત ટીઝર અને ટ્રેઇલર કરતાંય વધુ આખી મૂવીમાં છે. સંજુમાં બાબાની ચાલવા, ઉઠવા, બેસવાની ઢબ. બોલવાની લઢણ. વાતચીત વખતે હાથનું મૂવમેન્ટ. બાબાની પેટન્ટેડ હોઠ બીડવાની રીત સહિતની બોડી લેંગ્વેજ ડિટ્ટો ભજવી છે. હસવાની, રોવાની બાબતમાં પણ રણબીર ફોટોકોપી છે. ઇવન સંવાદોમાં પણ તે ક્યાંય પ્રયાસ કરતો નથી દેખાતો. મતલબ કે ફ્લોલેસ છે. રણબીર કપૂરે ફરી એકવાર, રિપીટ ફરી એકવાર સાબિત કરી દીધું છે તે વર્તમાનમાં બોલિવૂડના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સમાં ટોચ પર છે. (આ ફરી એકવાર એટલે લખવું પડ્યું કેમ કે તે બર્ફી, રોકસ્ટાર અને જગ્ગા જાસૂસમાં પણ આવો જ મજબૂત અભિનય કરી ગયો હોવા છતાં છેલ્લી કેટલીક મૂવીઝને બોક્સઓફિસ પર નબળો પ્રતિસાદ સાંપડ્યો હતો. અને તેના કરિયર પર સવાલ ઉભા થવા લાગ્યા હતાં)


હા તો બેઝિકલી 'સંજુ' સંજય દત્તની સંઘર્ષપૂર્ણ દાસ્તાનની વાત કહે છે. રાજકુમાર હિરાનીએ બાબાની આત્મગાથા પરદે દર્શાવવા સિનેમટિક ફ્રીડમ લઇને તેમાં થોડા મસાલા એડ કર્યાં છે. જેમ કે બાબા પોતાના પર લાગેલા 'વ્યર્થ' કલંકને મિટાવવા પોતાની જ આત્મકથા લખાવવાનું નક્કી કરે છે. અને એ માટે એક જાણીતી આત્મકથા લેખિકાને બોલાવી તેને પોતાની કહાની કહે છે. અને એ રીતે 'સંજુ' આગળ વધે છે. છેક પહેલી મૂવીની શૂટિંગથી વાર્તા આગળ ધપે છે. સંજુથી છેક આજના સંજય દત્ત સુધીની સફરમાં બે ખાસ કિરદારને મૂવીમાં રણબીર પછી સૌથી વધુ સ્ક્રીન સ્પેસ મળ્યો છે. એક તો બાબાનો ખાસ દોસ્ત કમલેશ કપાસી અને બીજા સુનિલ દત્ત. પરેશ રાવલ સુનિલ દત્તના રોલમાં ઘણી મહેનત પછીય પોતાના મૂળ ઉચ્ચારણોને એટલા છૂપાવી શક્યા નથી. હા તેમનો અભિનય ચોક્કસથી મૂવીને મજબૂત ટેકો આપે છે. રણબીર અને પરેશ રાવલ વચ્ચેના કેટલાંક દ્રશ્યો માણવાલાયક બન્યાં છે.


ડિરેક્શન જ્યારે રાજકુમાર હિરાનીનું હોય ત્યારે ત્યાં બે વાત બાય વન ગેટ ટુ ફ્રીની સ્કીમમાં આવે છે. એક તો હ્યુમર અને બીજું ઇમોશન. ડિરેક્શનના હિરા, હિરાનીનો એ સેફાયર ટચ અહી પણ બરકરાર છે. કેટલીક લાજવાબ સિકવન્સ માટે સ્વાભાવિકપણે જ રાજકુમાર હિરાની પર માન વધી જાય. હિરાની આ સાથે જ માસ્ટર ઓફ ધ આર્ટ સ્ટેટસને જાળવી રાખે છે. તેમણે બાબાની ઇમોશનલ વાર્તાને કહેતી વેળાએ પણ હ્યુમરને સુપર્બલી બેલેન્સ કર્યું છે. મૂવીમાં રણબીર અને વિકીની પહેલી મુલાકાતનું દ્રશ્ય પણ લાજવાબ છે. જો કે જેમ ઓફ ધ મૂવીનો ખિતાબ આપવો પડે એવું એક દ્રશ્ય પણ છે જેમાં બાબાનો દોસ્ત બનતો કમલી, બાબાની સ્થિતિ અંગે કેટલીક બિન્દાસ્ત વાત કરવા માટે દારૂ પીને સુનિલ દત્ત સામે જાય છે. એ દ્રશ્ય માટે વિકી અને રાજકુમાર હિરાની બન્નેને પોંખવા પડે એમ છે.


મૂવીમાં નરગીસના પાત્રમાં મનિષા કોઇરાલા અને લેખિકાના પાત્રમાં અનુષ્કા શર્મા પણ પરફેક્ટ રહ્યાં છે. બાકી બધા પણ હિરાનીના ડિરેક્શનમાં ઠીકઠાક છે. થોડા વર્ષો પહેલાં સ્વર્ગસ્થ ફારૂખ શેખના એક જાણીતા ટીવી શૉમાં પણ સંજય દત્તની જીવનગાથા પરથી આછો પાતળો પરદો ઉઠાવાયો હતો. એ શૉમાં પણ સંઘર્ષ સામે લડેલા બાબાના રિયલ લાઇફ હિરોઇઝમને સેલિબ્રેટ કરાયું હતું. અહી પણ એ જ છે. બાબાના જીવનના બહુ બધા ટ્વીસ્ટ એન્ડ ટર્નને જસ્ટીફાઇ કરવાની કોશિશ કરાઇ છે. એમાં હીરાની અને વિધુ વિનોદ ચોપરાનું મીડિયા પ્રત્યેનું વલણ પણ સ્પષ્ટ દેખાય આવે છે. બાબાની અગાઉની પત્ની તેમજ બાબાના બોલિવૂડમાં અપ એન્ડ ડાઉનને અહી બહુ નથી દર્શાવાયા. મૂવીમાં એટલું જ છે જેટલું બાબાએ અલાઉ કર્યું છે. પણ તેમ છતાંય જેટલું દર્શાવાયું છે એ ફ્રોમ ધ મેકર્સ ઓફ થ્રી ઇડિયટ, પીકે અને મુન્નાભાઇ એમબીબીએસનું હેડર મારી શકાય એ લેવલનું તો છે જ. ટૂંકમાં આંખો બંધ કરીને જોવા જતા રહો. પછી થિયેટર્સમાં તો આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જવાની. મસ્ટ વૉચ ફોર ઓલ...