મુંબઈ: બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ ગણાતો શાહરૂખ ખાન મુસિબતમાં મૂકાઈ ગયો છે. એક સંગઠને તેને ધમકી આપી છે. ભુવનેશ્વરના સ્થાનિક સંગઠન કલિંગા સેનાએ રાજ્યમાં શાહરૂખ ખાનના આગમનનો વિરોધ કર્યો છે અને તેના ઉપર શાહી ફેંકવાની અને કાળા ઝંડા ફરકાવવાની ધમકી આપી છે. આ ધમકી બાદ 2018 મેન્સ હોકી વર્લ્ડ કપમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. અત્રે જણાવવાનું કે 27 નવેમ્બરે ઓડિશામાં થનારા મેન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન આવે તેની સામે આ સંગઠનને ભારે વિરોધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો અને કેમ છે નારાજગી?
આ સમગ્ર વિવાદ શાહરૂખ ખાનની વર્ષો પહેલા આવેલી  ફિલ્મ અશોકા સંલગ્ન છે. આ ફિલ્મ 2001માં આવી હતી. શાહરૂખ ખાન પર આરોપ છે કે આ ફિલ્મમાં ઓડિશાના લોકોને અપમાનિત કરવામાં આવ્યાં હતાં. કલિંગા સેનાના પ્રમુક હેમંત રથે એક્ટર પાસે માફીની માગણી કરી છે. એટલું જ નહીં તેમણે પહેલી નવેમ્બરે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. 


રિપોર્ટમાં કહેવાયું છે કે શાહરૂખ ખાને ઓરિસ્સાના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. શાહરૂખે કલિંગ યુદ્ધને ખોટી રીતે દર્શાવ્યું છે. કલિંગ સેનાના જનરલ સેક્રેટરી નિહાર પાણીએ કહ્યું કે અમે શાહરૂખ ખાનના ચહેરા પર શાહી ફેંકવાની વ્યવસ્થા કરી લીધી છે. એરપોર્ટથી સ્ટેડિયમ સુધી તેમને કાળા વાવટા બતાવવામાં આવશે. અમારા કાર્યકર્તાઓ આખા રસ્તે હાજર રહેશે. 


નોંધનીય છે કે કિંગ ખાન અને કરીના કપૂર અભિનિત અશોકા ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. વિરોધ પ્રદર્શનના કારણે આ ફિલ્મ રાજ્યના થિયેટરોમાં 7 દિવસથી વધુ ચાલી શકી નહતી. 


(ઈનપુટ-પીટીઆઈ)