ધમકીઓની સલમાનની મેન્ટલ હેલ્થ પર પડી રહી છે અસર? ફિલ્મનું શુટિંગ કેન્સલ
એનસીપી નેતા બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનને સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેના કારણે હાલમાં સુપરસ્ટાર ખુબ તણાવમાં છે.
એનસીપી નેતા બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનને સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેના કારણે હાલમાં સુપરસ્ટાર ખુબ તણાવમાં છે અને આ બધુ તેના રિયાલિટી શો 'બિગ બોસ 18' ના 'વિકેન્ડ વાર' દરમિયાન તેના બદલાયેલા વ્યવહાર અને વાતચીતથી સ્પષ્ટ જણાતું હતું. જો કે બાબા સિદ્દીકીના મર્ડર બાદ સલમાનની સુરક્ષા વધારી દેવાઈ છે. પહેલા તેની પાસે વાય સિક્યુરિટી હતી જેને હવે Y+ કરી દેવાઈ છે.
જો કે તેને સતત મળી રહેલી ધમકીઓની સીધી અસર તેની મેન્ટલ હેલ્થ પર પડી છે. તેણે 'બિગ બોસ 18'ના 'વીકેન્ડ કા વાર'નું શૂટિંગ કડક સુરક્ષા વચ્ચે કર્યું, પરંતુ શોમાં તે ઘણો પરેશાન જોવા મળ્યો. ત્યારબાદ સમાચાર આવ્યા કે રોહિત શેર્ટીએ સલમાન ખાનની હાલત જોતા 'સિંઘમ અગેઈન'માં તેના ચુલબુલ પાંડેના કેમિયોના શુટિંગનો પ્લાન પણ રદ કર્યો છે. હવે એવું કહેવાય છે કે તેની અપકમિંગ ફિલ્મ સિકંદરના મેકર્સે પણ તેની સુરક્ષા અને મેન્ટલ હેલ્થને જોતા શુટિંગ રદ કર્યું છે.
રદ થયું સલમાન ખાનની ફિલ્મોનું શુટિંગ
સલમાન ખાનના એક નજીકના મિત્રના જણાવ્યાં મુજબ જાનથી મારી નાખવાની ધમકીઓ કારણે તેણે પોતાના કામનું શિડ્યુલ ઓછું કરી નાખ્યું છે. ટાઈમ્સ નાઉના એક રિપોર્ટ મુજબ સલમાનના એક નજીકના મિત્રે જણાવ્યું કે 'હવે ફક્ત સુરક્ષા વધારવી પૂરતું નથી. સલમાને થોડા સમય માટે સાચે જ ખોટું બોલવું પડશે. તે હવે થોડા સમય સુધી, ક્યાં સુધી તે કહેવું મુશ્કેલ છે પરંતુ કોઈ પણ ફિલ્મનુ શુટિંગ કરશે નહીં.' તેણે વધુમાં કહ્યું કે 'હવે કઈ પણ કહેવું મુશ્કેલ છે. 'સિકંદર' માટે ઘણા બધા એક્શન કોરિયોગ્રાફ કરવાની જરૂર છે.'
આગામી વર્ષે રિલીઝ થશે ફિલ્મ
સલમાનના મિત્રએ વધુમાં જણાવ્યું કે 'નિર્દેશક મુરુગાદોસે સલમાનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈતું હતું. પરંતુ આ હવે શક્ય લાગતું નથી. આગળનો રસ્તો પણ સાફ નથી. હવે સૌથી જરૂરી વાત છે સલમાન અને તેના પરિવારની સુરક્ષા.' આ મામલે કોઈ સમાધાન કરાશે નહીં. જો કે આ રિપોર્ટ્સને લઈને સલમાન કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ રિએક્શન આવ્યું નથી. અત્રે જણાવવાનું કે એ આર મુરુગાદોસના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ સિકંદર આગામી વર્ષે 2025માં ઈદના અવસરે રિલીઝ થવાની છે.