Famous actress Dayle Haddon: અમેરિકાની પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ ડેલ હેડન (76)નું અવસાન થયું છે. તે અમેરિકાના પેન્સિલવેનિયામાં તેના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર્બન મોનોક્સાઇડ લીકેજ થવાના કારણે તેનું મોત થયું હતું. પેન્સિલવેનિયાના બક્સ કાઉન્ટીમાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ તેના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યું હતું. પછી જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો હેડન પણ ઘરના બીજા માળે બેડરૂમમાં મૃત હાલતમાં પડેલી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીમનીમાંથી થયો હતો ગેસ લીક
પોલીસે જણાવ્યું કે ન્યૂ હોપ ઇગલ વોલેન્ટિયર ફાયર કંપની પણ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે ઘરમાં કાર્બન મોનોક્સાઇડનો મોટો જથ્થો છે. કાર્બન મોનોક્સાઈડના સંપર્કમાં આવવાથી બે ડોક્ટર અને એક પોલીસ અધિકારી પણ બેભાન થઈ ગયા હતા. આ કેસની હાલમાં સોલેબરી ટાઉનશીપ પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેસ હીટિંગ સિસ્ટમ પર ગંદી ચીમની અને એક્ઝોસ્ટ પાઇપને કારણે કાર્બન મોનોક્સાઇડ લીક થયું હતું. જેનાથી ડેલ હેડનનો જીવ લીધો અને 4 લોકોને બેભાન કરી દીધા.


70-80 ના દાયકાના સૌથી ચર્ચિત નામ
ડેલ હેડન 1970 અને 1980 ના દાયકાનું સૌથી લોકપ્રિય નામ હતું. એક મોડેલ તરીકે તે વોગ, કોસ્મોપોલિટન, એલે અને એસ્ક્વાયરના કવર પર ઘણી વખત દેખાઈ હતી, જ્યારે 1995 સુધી તેણે ડઝનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1994ની જ્હોન કુસેક અભિનીત 'બુલેટ્સ ઓવર બ્રોડવે' પણ સામેલ છે.


પતિના અવસાન બાદ તેણે ફરીથી ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો
હેડને તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી અને 1970ના દાયકાના મધ્યમાં તેણે પુત્રી રયાનને જન્મ આપ્યા બાદ મોડલિંગની દુનિયા છોડી દીધી. આ પછી તે લગભગ દોઢ દાયકા સુધી મોડલિંગથી દૂર રહી, પરંતુ 1991 માં તેના પતિના મૃત્યુ પછી તેણે ફરીથી કામ પર પાછા ફરવું પડ્યું. તેણે 2003માં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને કહ્યું હતું કે લોકોએ મને ત્યારે કહ્યું હતું કે તું આ ઉંમરે મોડલિંગ માટે યોગ્ય નથી. પરંતુ સંઘર્ષ બાદ તેને મોડલિંગ અને એક્ટિંગમાં સારું કામ અને નામ મળ્યું. એટલું જ નહીં તેણીએ CBSના 'ધ અર્લી શો' માટે બ્યુટી સેગમેન્ટ પણ હોસ્ટ કર્યું હતું.