મુંબઈ: જેઠાલાલ અને દયાબેનના તો કોણ ચાહક નહીં હોય. બાળકોથી માંડીને વડીલોમાં આ કોમેડી શો ખુબ જ લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka ooltah chashmah) ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર છે. આ શોએ હવે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આમ તો 3000થી વધુ એપિસોડ પૂરા કર્યા બાદ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી વધુ એપિસોડવાળો બીજો શો બન્યો છે. પરંતુ આ શો ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલતો શો બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી પર લાંબા સમયથી ચાલતો શો
આ શોએ એક એવી ખ્યાતિ મેળવી છે જે અત્યાર સુધી કોઈએ મેળવી નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ટીવી પર ચાલી રહેલો એવો શો છે જે સૌથી લાંબા સમયથી ચાલુ છે અને આ રેકોર્ડ બદલ હવે આ શોનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા જઈ રહ્યું છે. 2008થી શરૂ થયેલો આ શો હજુ પણ ટીઆરપી ચાર્ટ  ગજાવે છે. લોકપ્રિયતામાં ભલભલા શોને પછડાટ આપે છે. તારક મહેતા એક ગુજરાતી મેગેઝીન ચિત્રલેખાની કોલમ દુનિયાને ઊંઘા ચશ્મા પર આધારિત છે. આ શો 2008માં સબ ટીવી પર શરૂ થયો હતો જે અત્યાર સુધી લોકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. 


ટીવી પર સૌથી વધુ એપિસોડવાળા ટોપ 10 શો


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ- સ્ટાર પ્લસ પર આ શો 12 જાન્યુઆરી 2009ના રોજ શરૂ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ સિરિયલે 3395 એપિસોડ પૂરા કરી લીધા છે. જે ટીવી પર સૌથી વધુ એપિસોડવાળી હિન્દી સિરિયલ બની છે. સિરિયલની લોકપ્રિયતા જોતા તેની સ્પિન ઓફ યે રિશ્તા હૈ પ્યાર કા પણ શરૂ કરાઈ હતી. 


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
દયાબેને ભલે શો છોડી દીધો પણ તારક મહેતાના લોકપ્રિયતા પર કોઈ અસર પડી નથી. તમામ વિવાદ વચ્ચે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા યથાવત છે. આ શોની શરૂઆત 2008માં સબ ટીવી પર થઈ હતી અને આથી આ સીરિયલ હિન્દી ટીવીની સૌથી જૂની અને લાંબા સમયથી ચાલતી સિરીયલ બની ગઈ છે. જેના આધારે તેને ગીનિસ બુકમાં નામ મળવા જઈ રહ્યું છે. 


બાલિકા વધુ
બાલિકા વધુની શરૂઆત કલર્સ ચેનલ પર 21 જુલાઈ 2008ના રોજ થઈ હતી અને 31 જુલાઈ 2016ના રોજ તેનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. કુલ 2245 એપિસોડ સાથે તે કલર્સનો સૌથી લાંબા સમય સુધી ચાલેલો શો બની ગયો. 


સાથ નિભાના સાથિયા
3 મે 2010ના રોજ શરૂ થનારી સીરિયલ સાથ નિભાના સાથીયાએ પહેલી સિઝનમાં 2125 એપિસોડની લાંબી ઈનિંગ રમી. શોના એક સીન પર બનાવવામાં આવેલું સિંગિંગ મીમ એટલું વાયરલ થયું કે શોની બીજી સિઝન પણ આવી ગઈ. 


સસુરાલ સિમર કા
દીપિકા કક્કડ અને અવિકા ગોર સ્ટારર કલર્સની સિરિયલ સસુરાલ સિમર કાનો 25મી એપ્રિલ 2011ન રોજ પોતાનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો. 2063 એપિસોડ બાદ 2 માર્ચ 2018ના રોજ તેનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. હવે આ સિરિયલની બીજી સિઝન શરૂ થઈ ચૂકી છે. 


યે હૈ મોહબ્બતે
દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલની આ સિરિયલ સ્ટાર પ્લસ પર 3 ડિસેમ્બર 2013થી 18 ડિસેમ્બર 2019 સુધી ચાલી. આ સિરિયલને તેના સ્પિન ઓફ યે હૈ ચાહતેએ રિપ્લેસ કર્યો છે. યે હૈ મોહબ્બતે સિરિયલના 1895 એપિસોડ પૂરા થયા હતા. 


ક્યોંકિ સાસ ભી કભી બહુ થી
એક્તા કપૂરની પહેલી સુપરહિટ સિરિયલ જેણે હિન્દી ટીવી સિરિયલોમાં ધરખમ ફેરફાર આણી દીધા. આ સિરિયલનો પહેલો એપિસોડ 3 જુલાઈ 2000ના રોજ પ્રસારિત થયો હતો અને આ સિરિયલનો છેલ્લો એપિસોડ 6 નવેમ્બર 2008ના રોજ પ્રસારિત થયો. સિરિયલે 1833 એપિસોડ્સ પૂરા કર્યા. 


કુમકુમ ભાગ્ય
ઝી ટીવી પર આવતી સિરિયલ કુમકુમ ભાગ્ય 15 એપ્રિલ 2014ના રોજ શરૂ થઈ હતી. આ સિરિયલની એક સ્પિન ઓફ કુંડલી ભાગ્ય પણ કુમકુમ ભાગ્યની સાથે જ ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહે છે. આ સિરિયલના અત્યાર સુધીમાં 1845 એપિસોડ પૂરા થયા છે. 


કહાની ઘર ઘર કી
કહાની ઘર ઘર કી સિરિયલ 16 ઓક્ટોબર 2000ના રોજ શરૂ થઈ હતી. 1661 એપિસોડ બાદ 9 ઓક્ટોબર 2008ના રોજ આ સિરિયલનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. 


ઉતરન
1549 એપિસોડ સાથે ઉતરન, બાલિકાવધુ, સસુરાલ સિમર કા, બાદ કલર્સ ચેનલનો આ ત્રીજો શો છે જે ખુબ લાંબો ચાલ્યો. શોની શરૂઆત 1 ડિસેમ્બર 2008ના રોજ થઈ હતી અને 16 જાન્યુઆરી 2015ના રોજ તેનો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube