તારક મહેતા...શો વિવાદમાં ફસાયો, મેકર્સે જાહેરમાં માફી માંગવી પડી, જાણો શું છે મામલો
સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા ભજવતા ટીવી સ્ટાર અમિત ભટ્ટ સાથે કઈંક એવું થયું કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. ત્યારબાદ અભિનેતા જ નહીં પરંતુ ટીવી શોના મેકર્સે પણ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
મુંબઈ: સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા ભજવતા ટીવી સ્ટાર અમિત ભટ્ટ સાથે કઈંક એવું થયું કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. ત્યારબાદ અભિનેતા જ નહીં પરંતુ ટીવી શોના મેકર્સે પણ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે. હકીકતમાં હાલમાં જ આ ટીવી શોના એક એપિસોડમાં એક્ટરે હિન્દીને મુંબઈની ભાષા ગણાવી દીધી હતી.
ત્યારબાદ એક રાજકીય પક્ષે આ શો વિરુદ્ધ હલ્લા બોલ કરી દીધુ. ત્યારબાદ ટીવી શોના મેકર્સે ટ્વીટ કરીને કહ્યું કે અમે ફક્ત પ્રેમ અને ખુશી આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ જો અમારા શોથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો અમે માંફી માંગીએ છીએ. અમે વિવિધતામાં એકતામાં વિશ્વાસ કરીએ છીએ અને તમામ ધર્મ અને માતૃભાષાનું સન્માન કરીએ છીએ. હસતા રહો અને જોતા રહો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે આ કોમેડી ટીવી શોના એક એપિસોડમાં બાપુજી એટલે કે અમિત ભટ્ટ કહે છે કે જુઓ આપણી ગોકુલધામ સોસાયટી મુંબઈમાં છે અને આથી આપણે આજના દિવસે આ વિચાર હિન્દીમાં લખીશું. જો ગોકુલધામ સોસાયટી ચેન્નાઈમાં હોત તો આપણે તમિલમાં લખત અને જો અમેરિકામાં હોત તો આપણે અંગ્રેજીમાં લખત. બસ આ વાત ઉપર બબાલ મચી. મહારાષ્ટ્રના કેટલાક નેતાઓને આ વાત ખુબ ખરાબ લાગી અને તેમણે અમિત ભટ્ટની ખુબ ટીકા કરી.