Hardik Pandya બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન! આ દિગ્ગજ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી
સેમિફાઇનલમાં હાર બાદ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અત્યારે રોહિત શર્મા-વિરાટ કોહલીના ભવિષ્ય અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે, આગામી વર્લ્ડ કપમાં હજી ઘણો સમય બાકી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં પહેલાં શાનદાર શરૂઆત અને ત્યાર બાદ ધબડકો. આ વાત કોઈના ગળે ઉતરતી નથી. કોઈ માનવા તૈયાર નથી કે ભારતની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે આવી રીતે કારમી હાર થશે. ત્યારે હારના અનેક કારણો પણ સામે આવ્યાં છે. હવે એના પર એનાલિસિસ પણ થઈ રહ્યું છે. અને વાદ વિવાદ પણ થઈ રહ્યો છે. જોકે, આ સ્થિતિની વચ્ચે એક નવી વાત વહેતી થઈ છે. આગામી સમયમાં હવે રોહિત શર્મા પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નહીં રહે. એ સમયે એક જબરદસ્ત ખેલાડીને સોંપવામાં આવી શકે છે ટીમ ઈન્ડિયાની કમાન. આ ખેલાડી એવો છે જેને લગભગ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવામાં કોઈ વાંધો નથી. અને એ પોતાની ટેલેન્ટના કારણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફિટ બેસે છે. એ ખેલાડીનું નામ છે હાર્દિક પંડ્યાં.
દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવાસ્કરે એવી ભવિષ્યવાણી કરી છેકે, આગામી સમયમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનશે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ગાવસ્કરે કહ્યું, ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લેશે, હાર્દિક પંડ્યા બનશે ઇન્ડિયાનો નેક્સ્ટ કેપ્ટન. ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, “T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ ઇન્ડિયન ટીમના ઘણા ખેલાડીઓ આ ફોર્મેટમાંથી રાજીનામુ આપશે.” ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલમાં એડિલેડ ખાતે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. 169 રનનો પીછો કરતા ઇંગ્લિશ ટીમે 4 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ગાવસ્કરે કહ્યું કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ સીઝનમાં જ ગુજરાતની ટીમને ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા ટીમનો આગામી કેપ્ટન બનશે. ટીમ મેનેજમેન્ટે પહેલેથી તેનું નામ કેપ્ટન તરીકે વિચારીને રાખ્યું હશે.” ગાવસ્કરે એમ પણ કહ્યું કે, “ઘણા ખેલાડીઓ જે 30ની ઉંમર વટાવી ચુક્યા છે તેઓ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારશે. જ્યારે ઘણા એ પણ વિચારશે કે T20 ફોર્મેટમાં હવે પોતાનું સ્થાન કેવી રીતે જાળવી રાખવું.”
ઉલ્લેખનીય છે કે, સેમિફાઇનલમાં હાર બાદ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અત્યારે રોહિત શર્મા-વિરાટ કોહલીના ભવિષ્ય અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે, આગામી વર્લ્ડ કપમાં હજી ઘણો સમય બાકી છે. બીજી તરફ, ભારતને હરાવ્યા બાદ ઇંગ્લેન્ડ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ખાતે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube