નવી દિલ્હી: કાળિયારના શિકાર કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને દોષિત ઠેરવીને જોધપુરની સ્પેશિયલ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે 10 હજારનો દંડ પણ કર્યો છે. જો કે આ મામલે અન્ય બોલિવૂડ સિતારાઓ પણ આરોપી હતા, તેમનો નિર્દોષ છૂટકારો થયો છે. જેમાં સોનાલી બેન્દ્રે, નીલમ, સૈફ અલી ખાન, તબ્બુ સામેલ હતાં. સલમાનને આ જે સજા થઈ તેમાં 5 પુરાવાઓએ મહત્વનો ભાગ ભજવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પુરાવા નંબર 1- ઓક્ટોબર 1998માં થયેલી આ ઘટનાનો સૌથી મોટો પુરાવો એ જગ્યા હતી જ્યાં મૃત કાળિયાર મળ્યા હતાં. ત્યાંથી સલમાન ખાન પોતાની જિપ્સીમાં ભાગ્યો હતો. તે રાતે અન્ય કલાકારો પણ જિપ્સી કારમાં હતાં. સલમાન ખાન ગાડી ચલાવી રહ્યો હતો. કાળિયારના ઝૂંડને જોતા તેણે તેમના ઉપર ગોળી ચલાવી અને તેમાંથી બે કાળિયારને માર્યા હતાં.



પુરાવા નંબર 2-  આ મામલે સૌથી મહત્વનો પુરાવો એફએસએલના રિપોર્ટને ગણવામાં આવ્યો. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બીજા પોસ્ટમોર્ટમમાં કાળિયારના શરીર પર છેદ હતા જે સંભવીત રીતે ગોળીના હતાં.



પુરાવા નંબર 3-  સાક્ષી તરીકે પૂનમચંદની જુબાની. આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી પૂનમચંદને સાક્ષી તરીકે રજુ  કરાયા હતાં. તેમણે જુબાની આપી હતી કે તેઓએ સલમાન ખાનને શિકાર કરતા જોયો હતો.



પુરાવા નંબર 4- નવ વિભાગના અધિકારી માનસિંહની ભલામણ પર બીજીવાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. બીજીવારના પોસ્ટમોર્ટમે મુખ્ય ભૂમિકા ભજવી પરંતુ આ માટે માનસિંહે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. જો માનસિંહ કાળિયારના મૃતદેહનું બીજીવાર પોસ્ટમોર્ટમ ન કરાવી શકત તો કેસ નબળો પડી જાત.



પુરાવા નંબર 5- આ કેસમાં મહત્વપૂર્ણ સર્ચ પણ મહત્વનો પુરાવો બન્યો. જિપ્સીની તલાશી 7 ઓક્ટોબરે લેવાઈ હતી. જ્યારે સલમાન ખાનના રૂમ નંબર 508ની તપાસ 10 અને 12 ઓક્ટોબરના રોજ કરાઈ. 12 ઓક્ટોબરના રોજ સલમાનના રૂમમાંથી ફાયર આર્મ, એક રાઈફલ અને એક પિસ્તોલ મળી આવ્યાં હતાં.