ટ્વિટર પર છવાઈ ગયો આ પોલીસ કર્મચારી, વીડિયો જોઈ તમે પણ કરશો વખાણ
સોશિયલ મીડિયા પર એક પોલીસવાળાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સુરીલી અવાજમાં ‘ભર દો ઝોલી મેરી યા મોહંમદ’ કવ્વાલી ગીત ગાતો નજર આવી રહ્યો છે. બીજા પોલીસ કર્મચારીઓ પણ પોતાના સાથી સિંગરના અવાજમાં આ કવ્વાલી શાંતિથી સાંભળી રહ્યાં છે. કોઈ પણ સિંગરને ટક્કર આપી શકે તેવા આ પોલીસવાળાના વીડિયોના ટ્વિટર પર જોરદાર વખાણ થઈ રહ્યાં છે.
શાયરાના ટ્વિટર હેન્ડલથી જાહેર કરાયેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહારાષ્ટ્ર રાજ્યનો આ પોલીસ કર્મચારી ખાલી સ્ટીલની ડોલ વગાડતા વગાડતા કવ્વાલી ગાઈ રહ્યો છે. તેનો યુનિફોર્મ અને એક સ્ટાર પરથી માલૂમ પડે છે, તે એએસઆઈના પદ પર છે. જોકે, હજી સુધી આ પોલીસ કર્મચારીનું નામ જાણી શકાયું નથી.
આ વીડિયો કોઈ પોલીસ સ્ટેશનના કેમ્પસમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. જ્યાં તેના સાથી પોલીસવાળા પણ ઉભા છે. તેમાંથી જ એક કર્મચારી આ સૂરીલા અવાજને મોબાઈલમાં કેદ કરી રહ્યો છે. ગીત સાંભળી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓના ચહેરાના હાવભાવ પરથી માલૂમ પડે છે કે, તેઓ આ અવાજમાં ખોવાઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, ‘ભર દો ઝોલી મેરી યા મોહંમદ’ એવી કવ્વાલી છે, જેને સૌથી પહેલા પાકિસ્તાનના ફેમસ સબરી પરિવારે ગાઈ હતી. તેના બાદ વર્ષ 2015માં આવેલી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં ફેમસ સિંગર અદનાન સામીએ આ કવ્વાલીને ગાઈ છે. પાકિસ્તાનના સાબરી બ્રધર્સે આરોપ લગાવ્યો હતો કે, તેમના દિવંગત પિતા ગુલામ ફરીદ સાબરીની પ્રસિદ્ધ આ કવ્વાલીને બજરંગી ભાઈજાનમાં તેમની પરમિશન વગર સામેલ કરવામાં આવી છે.