રાજ્યમા સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, રાજકોટમાં એકના મોતથી મૃત્યુંઆંક 34 પર પહોંચ્યો
રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જૂનાગઢ જિલ્લામાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત થતા ચકચાર મચી છે.
રાજકોટ: શહેરની સાથે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજી પણ યથાવત છે. ફ્લૂના દર્દીઓમાં વધારો થતા તંત્ર પણ કામે લાગ્યુ છે, લોકોમાં પણ આ રોગને કારણે ભયનો માહોલ ફેલાયો છે. જેથી દિવાળી જેવા તહેવારમાં પણ ઓછી સંખ્યામાં લોકો બહાર દેખાયા હતા. રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
60 વર્ષીય વૃદ્ધાનું સ્લાઇન ફ્લૂથી મોત
રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસોથી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જૂનાગઢ જિલ્લામાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત થતા ચકચાર મચી છે. જૂનાગઢના એક વૃદ્ધાનું રાજકોટમાં મોત થતાની સાથે જ રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી કુલ મૃત્યુંઆંક 34 પર પહોચતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટમાં તથા અમદાવાદ સિવિલ ખાતે મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
આ રીતે સ્વાઈન ફ્લૂથી બચી શકાય
સ્વાઈનફ્લૂના લક્ષણ બાદ હવે તેનાથી બચવાના ઉપાયોની વાત કરીએ તો, સ્વાઈનફ્લૂથી બચવા માટે બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું જોઇએ અને ભીડમાં કોઈને છીંક કે ઉધરસ આવે તો તત્કાલિક આપણા મોં આગળ રૂમાલ રાખી દેવો જોઇએ. સ્વાઈન ફલૂનાં દર્દીથી પણ દૂર જ રહેવું. આ ઉપરાંત લક્ષણો દેખાયા બાદ રાત્રી સમયે પુરતી ઉંઘ લેવી અને લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવાનું રાખવુ. સાથે જ પ્રોટીનયુકત ખોરાક પણ પુરતા પ્રમાણમાં લેવો જરૂરી બની જાય છે.
વધુ વાંચો...સુરેન્દ્રનગરના પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ, 5 લોકોને ઇજા
રાજ્યમાં આરોગ્ય વિભાગનું એલર્ટ
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ દિવસેને દિવસે વધતાં હવે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. જે રીતે સ્વાઈનફલૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેનાથી બચવા માટે આપણે જ સાવધાન રહવું પડશે. આરોગ્ય વિભાગે સમગ્ર ગુજરાતમાં વધી રહેલા સ્વાઈન ફ્લૂ કેસોને લઇને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરી દીધી છે.