રાજકોટઃ ડેકોરા ગ્રુપ પાસેથી 10 કરોડ રોકડા કબજે, IT વિભાગને અનેક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા
આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી 5 બિલ્ડર્સ ત્યાં દરોડા પાડ્યા હતા.
રાજકોટઃ રાજકોટમાં વહેલી સવારથી જ આઈટી વિભાગના 132 અધિકારીની 48 ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. કુલ 44 સ્થળે પાડેલા સપાટામાં 26 સ્થળે દરોડા અને 18 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ એન્ડ સર્વેની કામગીરીમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા હતા. દિવસભર ડેકોરા ગૃપ પર ચાલેલી આઈટીની કાર્યવાહી બાદ 10 કરોડ રૂપિયાની જંગી રકમ ઝડપાઈ છે.
મહત્વનું છે કે, આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી 5 બિલ્ડર્સ ત્યાં દરોડા પાડ્યા હતા. 44 સ્થળોએ દરોડા અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી. સવારથી જ ચાલેલી કાર્યવાહી હજુ પણ ચાલુ છે. 17 જેટલા બેન્ક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા છે.
અનેક બેનામી વ્યવહારોના અનેક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. એક એકાઉન્ટમાંથી ચોંકાવનારા દસ્તાવેજો પણ આઈટીને હાથ લાગ્યા છે. હજુપણ આ કાળાનાણાનો આંકડો વધી શકે છે. સવારે ત્રણ કરોડની રોકડ હાથ લાગી હતી. બપોર બાદ 7 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ડેકોડા, ક્લાસિક, પટેલ સહિતના બિલ્ડર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ રાજકોટમાં રોકડ સિઝરની વિક્રમ સર્જક ઘટના છે.