કાલાવડમાં 10 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર દૂધ અને શાકભાજી ઠાલવી વિરોધ કર્યો
ઓછા વરસાદને કારણે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પર જોડાઈ હતી.
જામનગરઃ રાજ્યમાં અનેક જગ્યાઓ ઓછો વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. આ માટે ખેડૂતો પોતાના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા તથા તેમની માંગણીઓ સ્વીકારવા માટે આંદોલનો પણ કરી રહ્યાં છે. આજે જામનગર જિલ્લાના કાલાવડના ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે. ખરેડી ખાતે 10 ગામના ખેડૂતોએ ભેગા થઈને આક્રમક વિરોધ કર્યો હતો. ખેડૂતોએ સરકાર સામે જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શિત કરીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. જેમાં ખેડૂતોએ રસ્તા પર દુધ ઢોળ્યુ હતુ. તો સાથે જ ખેડૂતોએ રસ્તા પર ડુંગળીઓ ફેંકી દીધી હતી.બીજી તરફ મહિલાઓ પણ રણચંડી બની હતી. જેમાં મહિલાઓએ સરકારના નામે છાજિયા લીધા હતા અને નનામી કાઢીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
કાલાવડના ખરેડી ગામ ખાતે સોમવારે વહેલી સવારથી જ 10 જેટલા ગામના ખેડૂતો એકઠા થયા છે. ખેડૂતોએ પોતાના વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. આ વચ્ચે કાલાવડ તાલુકાનું ખરેડી ગામ સ્વયંભૂ બંધ રહ્યું છે. ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે વરસાદ ઓછો પડવાને કારણે અને કૂવા કે બોરમાં પાણી ન હોવાને કારણે તેમનો પાક બળી રહ્યો છે. જે જગ્યાએ કૂવા કે બોરમાં પાણી છે ત્યાં પુરતી વીજળી ન આપવાને કારણે તેમણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વસ્તુઓ રસ્તા પર ફેંકી કર્યો વિરોધ
વિરોધ કરી રહેલા ખેડૂતોએ સરકાર પર પૂરતો ભાવ ન આપવાનો આક્ષેપ લગાવીને લસણ ડુંગળી રસ્તા પર ફેંકી દીધા હતા. તો કેટલાક ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળ્યું હતું. આ ખેડૂતો હવે રેલી કાઢશે અને તેમણે કહ્યું કે, જો અમારી માંગને ધ્યાને લેવામાં આવશે નહીં તો ગાંધીનગર સુધી રેલી કાઢવામાં આવશે.
ઓછા વરસાદથી ખેડૂતો પરેશાન
રાજ્યમાં આ વર્ષે અનેક જગ્યાઓ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતો પાસે પાક માટે પાણી નથી. જેથી પાક સુકાઈ રહ્યાં છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેમના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યાં છે.
પાક નિષ્ફળ જવાના ડરથી આત્મહત્યા
વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર છે. આથી પોતાનો પાક નિષ્ફળ જશે અને પોતે મુશ્કેલીમાં આવી જશે. તેવા ડરથી કેટલાત ખેડૂતો આત્મહત્યા પણ કરી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 17 દિવસમાં પાંચ જેટલા ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.