ચેતન પટેલ, સુરત: બીટકોઈનની ખરીદી કરાવી તેને પોતાની કંપનીમાં જમા કરાવી અઢાર માસમાં ૧.૮ બીટકોઈન પરત આપવાનો વાયદો કરી સમગ્ર દેશમાં રૂ. ૫૦૦૦ કરોડનું કૌભાંડ કરનાર ગેઈન બીટકોઈન.કોમ કંપનીના સુરતના ત્રણ એજન્ટ વિરુધ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય એજન્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કતારગામ કુબેરપાર્ક સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨ માં રહેતા ૫૩ વર્ષીય પ્રજ્ઞોશભાઈ નટવરલાલ જેઠવા સાડીઓ ઉપર લેસપટ્ટી અને સ્ટોન લગાડવાનું જોબવર્ક કરે છે. દોઢ વર્ષ અગાઉ કતારગામ અવધૂત સોસાયટીમાં રહેતા મિત્ર પ્રવિણભાઈ કાકલોતર પરેશભાઈ નારણભાઈ ઘોઘારીને તેમની પાસે લાવ્યા હતા અને પરેશભાઈનો પરિચય ગેઈન બીટકોઈન.કોમ કંપનીના એજન્ટ તરીકે આપ્યો હતો. 


પ્રવિણભાઈએ કહ્યું હતું કે તેમણે પરેશભાઈ હસ્તક બીટકોઈન ખરીદી તેમની જ કંપનીમાં જમા કરાવ્યો છે અને કંપની ૧૮ માસ બાદ તેના બદલામાં ૧.૮ બીટકોઈન આપશે. બે-ત્રણ દિવસ બાદ પ્રજ્ઞોશભાઈ પરેશભાઈની કતારગામ ગજેરા સ્કૂલની બાજુમાં આવેલી ઓફિસે ગયા હતા. ભાવેશભાઈ બગડી અને જગદીશભાઈ રોયની ઓફિસમાં હાજર પરેશભાઈએ તે બંને કંપનીના મુખ્ય એજન્ટ છે અને પોતે તેમના હાથ નીચે કમિશન એજન્ટ તરીકે કામ કરે છે એમ કહ્યું હતું. તેમની કંપનીની દિલ્હી ખાતે ઓફિસ છે અને માલિક અમિત ભારદ્વાજ છે તેમ કહી કંપનીમાં રોકાણ કરવાની રીત સમજાવી હતી.  


હાલમાં બીટકોઈનનું માર્કેટ ઉચું છે અને રોજ ભાવ વધે છે તેમ કહી પરેશભાઈએ પ્રજ્ઞોશભાઈ પાસે રૂ. ૭૮,૦૦૦માં એક બીટકોઈન ખરીદાવ્યો હતો અને એપ્લીકેશન દ્વારા બીટકોઈન કંપનીમાં જમા કરાવી દરમહિને ૦.૧ બીટકોઈન તમારા ખાતામાં જમા થશે તેમ કહ્યું હતું. ત્યારબાદ પ્રજ્ઞોશભાઈ કંપનીના વિવિધ સેમીનારમાં પણ ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત ભાવેશભાઈ બગડીયા અને જગદીશભાઈ રોય સાથે થઈ હતી. સેમીનારમાં બીટકોઈનની માહિતી આપી તેના ફાયદા કહેતા હતા. 


જો કે ત્યારબાદ ચાર-પાંચ માસ સુધી પ્રજ્ઞોશભાઈના એકાઉન્ટમાં બીટકોઈન જમા થતાં ન હોય તેમણે તપાસ કરી તો ભાવેશભાઈ અને જગદીશભાઈ દુબઈ ગયા હતા. પખવાડિયા બાદ થયેલી મીટીંગમાં ત્રણેયે કંપનીમાં નુકશાન થવાથી હાલ બંધ થઈ ગઈ છે તેવી જાહેરાત કરી હતી અને જે કોઈએ બીટકોઈનમાં રોકાણ કર્યુ હશે તેને કંપનીના માલિક અમિત ભારદ્વાજ એમ.કે.-૫ આપશે તેમ પણ જણાવ્યું હતું. 


ત્યારબાદ પ્રજ્ઞોશભાઈના એકાઉન્ટમાં જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ૮૫૧ એમ.કે.-૫ જમા થયા હતા. તે સમયે એમ.કે.-૫ની કિંમતની રૂ. ૧૦૦ હતી. પરેશભાઈએ પ્રજ્ઞોશભાઈને ઓફિસે બોલાવી એમ.કે.-૫ માર્ચ મહિના સુધી સાચવી રાખશો તો તેની કિંમત માર્ચ મહિના ૫ થી ૧૦ ડોલરથી પણ વધશે તેમ કહ્યું હતું. જો કે, માર્ચ મહિના બાદ એમ.કે.-૫ નો ભાવ ન વધતાં પ્રજ્ઞોશભાઈ પરેશભાઈની ઓફિસે ગયા તો જૂન મહિના સુધી રાહ જોવા કહ્યું હતું. પરંતુ એપ્રિલ માસમાં જ કંપનીના માલિક અમિત ભારદ્વાજની ધરપકડની જાણ થતાં પ્રજ્ઞોશભાઈએ ઓફિસે તપાસ કરી તો બંધ થઈ ગઈ હતી. 


અવાનવાર તપાસ કરતા ઓફિસ નજીક એક ઓટલા પાસે મળેલા ત્રણેય એજન્ટે અમિત ભારદ્વાજ જેલમાંથી બહાર આવશે ત્યારે વળતર મળશે તેવી વાત કરી હતી પરંતુ બાદમાં તેઓ ગાયબ થઈ ગયા હતા. સમગ્ર દેશમાં અંદાજીત ૮૦૦૦ રોકાણકારોને પોતાની કંપનીમાં બીટકોઈન ખરીદાવી જમા કરાવી વળતર આપવાના બહાને રૂ. ૫૦૦૦ કરોડનું કૌભાંડ કરનાર ગેઈન બીટકોઈન.કોમ કંપનીના અમિત ભારદ્વાજ ઉપરાંત સુરતના ત્રણેય એજન્ટ પરેશ નારણભાઈ ઘોઘારી, જગદીશ બાબુભાઈ રોયએ ભાવેશ કરમશીભાઈ બગડીયા વિરુધ્ધ પ્રજ્ઞોશભાઈએ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના ત્રણેય એજન્ટની ધરપકડ કરી હતી. 


ગેઈન બીટકોઈન.કોમ કંપની વર્ષ ૨૦૧૫માં લોંચ કરનાર દિલ્હીના અમિત ભારદ્વાજની કંપનીનો ફુગ્ગો ફુટી જતાં તેના વિરુધ્ધ દેશભરમાં ફરીયાદો નોંધાઈ હતી. મહારાષ્ટ્રના પૂનામાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે પૂના પોલીસે અમિત અને તેના ભાઈ વિવેકની પણ ગત એપ્રિલ માસમાં ધરપકડ કરી હતી. કંપનીના માલિક અમિત ભારદ્વાજે જે પૈસા એકત્ર કર્યા તેમાંથી દુબઈમાં મોટાપાયે રોકાણ કર્યુ છે. તેમજ બુર્જખલીફામાં પણ એક ઓફિસ લીધી છે.

અમિતની કંપની ક્રિપ્ટો કરન્સીની દુનિયમાં જીબી-૨૧ ના નામે વધુ જાણીતી છે. ગેઈન બીટકોઈન.કોમમાં સુરતમાંથી અંદાજીત ૭૦૦ થી ૮૦૦ વ્યક્તિએ રોકાણ કર્યુ છે. એમએલએમ પધ્ધતિ દ્વારા એજન્ટ બનાવી રોકાણકારોને બીટકોઈન ખરીદાવી શીશામાં ઉતારનાર કંપનીએ સુરતમાંથી અંદાજીત રૂ. ૧૫૦ કરોડથી રૂ. ૨૦૦ કરોડ પડાવ્યા છે.