• પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુખ ભૂલાવીને કામમાં જોડાઈ ગયા

  • એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું


ઝી મીડિયા/બ્યૂરો :માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી. કોરોના મહામારીમાં અનેક લોકો એવા છે, જેઓએ કપરામાં કપરી સ્થિતિમાં પણ મદદનો હાથ લંબાવ્યો છે. ગોધરા તાલુકના 108 એમ્બ્યુલન્ના એક ડ્રાઈવરે પરિવારના પાંચ સભ્યોને ગુમાવ્યા છતાં બીજા દિવસે ફરજ પર હાજર રહી ગયા. આ મહામારીમાં પોતાની સેવાની જરૂર છે, તેવુ સમજીને તેઓ તાત્કાલિક ડ્યુટીમાં જોડાઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા તાલુકના પ્રવીણ બારીયાએ કારોના કાળ વચ્ચે માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. માત્ર પાંચ દિવસના સમયગાળામાં તેમણે પોતાના પરિવારના પાંચ સભ્યોને ગુમાવ્યા. છતાં તેઓ છઠ્ઠા દિવસે ફરજ પર આવી ગયા. પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુખ ભૂલાવીને કામમાં જોડાઈ ગયા હતા. 


આ પણ વાંચો : અજીબ કિસ્સો : રાજકોટના ઝૂમાં કોબ્રાએ સિંહણને દંશ દીધો, પાંજરામાં જ બેહોશ થઈ


મૂળ મોરવા હડફ તાલુકના ખાનપુર ગામના વતની પ્રવીણ બારીયા ગોધરામાં 108 માં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. છેલ્લાં 12 વર્ષથી તેઓ પાયલોટ તરીકેની સેવા આપે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણ બારીયાએ એક પણ રજા લીધા વગર એકધારી સેવા આપી છે. થોડા દિવસ પહેલા પ્રવીણ બારીયાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. પહેલા તેમના માતાપિતા કોરોનાગ્રસ્ત થયા હતા. માતાપિતા હોસ્પિટલમાં દાખલ હતા એ વચ્ચે પણ તેમણે પોતાની સેવા ચાલુ રાખી હતી. પરંતુ 21 એપ્રિલના રોજ તેમના પિતા સબુરભાઈ બારીયાનું નિધન થયું હતું. બારીયા પરિવાર આ આઘાત જીરવી શકે તે પહેલા જ 25 એપ્રિલના રોજ તેમના માતા કમળા બેન તેમજ પ્રવીણભાઈના સગા કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકોનું નિધન થયું હતું. એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું. તેમણે એકસાથે ચાર પરિવારજનોના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો.  


પરંતુ પરિસ્થિતિ પારખીને પ્રવીણભાઈ ફરીથી પોતાની કામગીરીમાં જોડાયા હતા. હાલ આ મહામારીમાં પોતાની જરૂર છે તે સમજીને બીજા જ દિવસે ફરજ પર જોડાયા હતા.