108ની ભયંકર બેદરકારી? ગયો સીએમ રૂપાણીના સ્વજનનો જીવ
સામાન્ય લોકોને તો ઘણીવાર 108ની બેદરકારીનો અનુભવ થતો હોય છે પણ હવે સીએમને પણ આંચકો મળ્યો છે
રાજકોટ : સામાન્ય લોકોને તો ઘણીવાર 108ની બેદરકારીનો અનુભવ થતો હોય છે પણ હવે સીએમને પણ આંચકો મળ્યો છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108ની સેવાની બેદરકારીના કારણે મુખ્યમંત્રીના માસીના દીકરા અનિલભાઈ સંઘવીનું મૃત્યુ થયું છે. રિપોર્ટ પ્રમાણે ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પરિવારે 108ને ફોન લગાડ્યો હતો.
જોકે, 108 પર ભરોસો રાખવાનું પરિવારને ભારે પડ્યું હતું. શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો. જોકે ચર્ચા પ્રમાણે ઓપરેટરેની ગેરસમજના કારણે 108ની ગાડી સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના બદલે ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. આમ,એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થયું હતું.
અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમના માસીના દીકરા અનિલભાઇ કેશવલાલ સંઘવીનું અવસાન થતા તેમના પરિવારજનોને સાંત્વના આપવા તેમના નિવાસ સ્થાન સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે ગયા હતા. પરિવારજનોએ 108ની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવતા તુરંત મુખ્યમંત્રીએ કલેક્ટરને આ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હોવાની ચર્ચા છે.
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...