અમદાવાદ: પોતાની માંગણીઓને લઇ હવે તલાટી કમ મંત્રીઓએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે આજે રાજકોટ સહિત રાજ્યના જુદા જુદા સ્થળો પર તલાટીઓ હડતાળ પર ઉતરશે. 600 ગ્રામપંચાયતના 500થી વધુ તલાટીઓ એકસાથે હડતાળ પર ઉતરશે. પગારવધારો , રેવન્યુ જોબ ચાર્ટ તૈયાર કરવા જેવા વિવિધ મુદ્દાઓ પર છેલ્લા ઘણા સમયથી તલાટીઓ વિરોધ કરી રહી છે. ત્યારે પોતાની માંગણીઓને લઇ તલાટી કમ મંત્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ નીકળનારી એકતાયાત્રાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટીઓની હડતાળને પગલે અનેક ગ્રામપંચાયતોના કામ ખોરંભે ચડવાની શક્યતા સેવાઇ રહી છે. તાલુકા કક્ષાએ તલાટીઓ એકત્ર થઇ દેખાવો કરશે જેથી રાજ્યની 18 હજાર ગ્રામ પંચાયત પર હડતાળની અસર વર્તાશે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ આહીરે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં રવિવારે આ અંગે જાહેરાત કરી હતી.


તેમણે જણાવ્યું હતું કે પડતર પ્રશ્નોને લઈ અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા તેનો ઉકેલ નથી આવતો. પંચાયતના 1થી 32 અને મહેસૂલના 1થી 18 કામ મળીને કુલ 50 કામોમાંથી 47 કામ તલાટી કમ મંત્રી અને 3 કામ મહેસૂલ તલાટી તથા ઈ-ધરા સેન્ટર મળીને કરે છે. આમ કામનો રેશિયો 90 અને 10 ટકા હોવા છતાં તલાટી મંત્રીઓને વર્ષોથી અન્યાય થાય છે.’ તલાટી મંત્રીઓની હડતાળ 31મી સુધી ચાલી તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમને લઈને સરકારને કોઈપણ પ્રકારનો સહયોગ તલાટી મંત્રીઓ નહીં આપે તેવું એલાન ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે કર્યું છે.


તલાટી કમ મંત્રીઓની મુખ્ય માંગણીઓ જેવી કે તલાટી કમ મંત્રી કેડરનો પગાર વિસંગતતા, પ્રમોશન, રેવન્યુ, ફીક્સ પગારની નોકરી સળંગ ગણાવવી. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા વિવિધ માંગણીઓનો રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિર્ભાવ ન મળતાં હડતાલનું શસ્ત્ર ઉગામવું પડયું છે. રાજ્યના ૧૧,૦૦૦ હજાર તલાટી કમ મંત્રીઓની હડતાલમાં જોડાવાથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારો તેમજ પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવે તો વધુ કાર્યક્રમો પણ આપવામાં આવનાર છે.