લીલી પરિક્રમાના રૂટ પર દુઃખદ ઘટના; 11 વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી, શ્રદ્ધાળુઓમાં ભય
દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજતા પરિવાર પર દુઃખના આભ ફાટી ગયા હતા. ઉપરાંત જૂનાગઢ મેયરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા બનાવને દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જવાબદાર અધિકારીઓને આ મામલે ગંભીરતા લઇ રૂટ પર હિંસક પશુઓને દૂર ખસેડવા સૂચના પણ આપી હોવાનું જણાવ્યું હતું.
અશોક બારોટ/જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી. રાજુલા પંથકના વિકટર ગામના પરિવારની કિશોરીને દિપડાએ ફાડી ખાધી હતી. સવારે બોરદેવી નજીક શૌચ ક્રિયા કરવા કિશોરી ગયેલ ત્યારે દિપડાએ હુમલો કર્યો હતો. બાદમા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ પરંતુ અંતે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ ભારે જેહમત બાદ કિશોરીના મૃતદેહને શોધી કાઢ્યો હતો.
રૂટ પર હિંસક પશુઓને દૂર ખસેડવા સૂચના
બાદમાં ડેડ બોડીને પીએમ અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજતા પરિવાર પર દુઃખના આભ ફાટી ગયા હતા. ઉપરાંત જૂનાગઢ મેયરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા બનાવને દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જવાબદાર અધિકારીઓને આ મામલે ગંભીરતા લઇ રૂટ પર હિંસક પશુઓને દૂર ખસેડવા સૂચના પણ આપી હોવાનું જણાવ્યું હતું.
લોકોમાં ફફડાટ
જો કે, આ વખતે લીલી પરિક્રમાં દીપડો માનવીય વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. યુવતીના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે, તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે.
જૂનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. દર વર્ષે એકાદશીના દિવસે વિધિવત પરિક્રમા શરૂ કરાઈ છે. જો કે મોટી સંખ્યામાં ભાવિકોએ વિધિવત શરૂ થાય તે પૂર્વે જ પરિક્રમા પૂર્ણ કરી છે. જુનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચર સાથે ધાર્મિક વિધિપુર્વક હરહર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી. આ તકે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવી હતી.
ગરવા ગિરનારની ફરતે લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. 36 કિલોમીટરની લીલી પરિક્રમામા ભવનાથથી શરુ કરી ઝીણા બાવા મઢી, ચરખડીયા હનુમાન, માળવેલા, બોરદેવી જેવા મહત્વના સ્થળ પર યાત્રિકો પગપાળા પરિક્રમા કરી છેલ્લે ફરી ભવનાથ પહોંચતા હોય છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાનિ ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ મોટી સંખ્યામા ભાવિકોએ પૂર્ણ કરી લીધેલ છે. જો કે પરંપરાગત રીતે ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ અગિયારસ મધ્યરાત્રીના થતો હોય છે. જયારે પૂર્ણ પૂનમના દિવસે થાય છે.